Video: ખારી જમીનમાં પણ પકવ્યું સોનું! ધોળકાના આ ગામોના ખેડૂતોએ અપનાવી એવી ખેતી કે 1 વીઘામાંથી કમાય છે ₹1.40 લાખ!

સોર્સ: gstv

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાનું કેલીયા વાસણા ગામ અને તેની આસપાસના સરોડા, ચલોડા, નેસડા, આંબારેલી, પાલડી, સીમેજ, આંબલીયારા, ધૂળજીપુરા, નવાપુરા, ભાત અને બદરખા જેવા વિસ્તારો હવે બાગાયતી ક્રાંતિનું નવું કેન્દ્ર બની રહ્યા છે. ઓછા પાણીએ અને ખારી-ભાઠી જમીનમાં પણ મબલખ પાક લઈને અહીંના પ્રગતિશીલ ખેડૂતોએ સીતાફળની ખેતી અપનાવી સમૃદ્ધિની નવી કેડી કંડારી છે.

કલમી જાતો અને આધુનિક પદ્ધતિથી બમ્પર ઉત્પાદન

પરંપરાગત ખેતી છોડીને કેલીયા વાસણા અને આસપાસના ખેડૂતો હવે બાલાનગર, અર્કા સહાન અને NMK-1 ગોલ્ડન જેવી સુધારેલી કલમી જાતના સીતાફળનું વાવેતર કરી રહ્યા છે. ટપક સિંચાઈ અને યોગ્ય છાંટણીની આધુનિક પદ્ધતિ અપનાવવાથી માત્ર 2.5 થી 3 વર્ષમાં જ ઝાડ પર મબલખ ફળ આવવાના શરૂ થઈ જાય છે. સૌથી મોટો ફાયદો એ છે કે આ વાવેતર સતત 25 વર્ષ સુધી ખેડૂતોને નિયમિત આવક રળી આપે છે.

જાહેરાત

1 વીઘામાં ખર્ચ અને નફાનું આખું ગણિત

ખેડૂતોની કમાણી અને ખર્ચના આંકડા પર નજર કરીએ તો આ ખેતી અત્યંત નફાકારક સાબિત થઈ રહી છે. 1 વીઘામાં વાવેતર પાછળ અંદાજે ₹22,000 થી ₹35,000 નો પ્રારંભિક ખર્ચ થાય છે. 5 વર્ષ બાદ પ્રતિ ઝાડ 2 થી 3 મણ (40 થી 60 કિલો) જેટલું મબલખ ઉત્પાદન મળે છે. વાર્ષિક નિભાવ ખર્ચ બાદ કરતાં ખેડૂતો 1 વીઘામાંથી અંદાજે ₹1.30 લાખ થી ₹1.40 લાખ નો ચોખ્ખો નફો મેળવી રહ્યા છે.

ગ્રેડિંગ અને પેકિંગથી આવક થઈ બમણી

હાલ બજારમાં ગુણવત્તા મુજબ હોલસેલમાં ₹30 થી ₹110 પ્રતિ કિલો અને છૂટક બજારમાં ₹60 થી ₹140 પ્રતિ કિલો જેટલા ઊંચા ભાવ મળી રહ્યા છે. અહીંના ખેડૂતો માત્ર ઉત્પાદન સુધી સીમિત ન રહેતા ફળોનું યોગ્ય ગ્રેડિંગ અને બોક્સ પેકિંગ કરીને અમદાવાદના બજારોમાં સીધું વેચાણ કરી રહ્યા છે, જેના કારણે તેમની આવકમાં બમણો વધારો થયો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત