ખારીકટ કેનાલના નામે માત્ર 'સમીક્ષા બેઠકો': પ્રોજેક્ટ ₹2,340 કરોડે પહોંચ્યો, છતાં રહીશો અને ખેડૂતો 'ગંદકી' અને 'અધૂરા કામ'થી ત્રસ્ત!

ખારીકટ કેનાલના નામે માત્ર 'સમીક્ષા બેઠકો': પ્રોજેક્ટ ₹2,340 કરોડે પહોંચ્યો, છતાં રહીશો અને ખેડૂતો 'ગંદકી' અને 'અધૂરા કામ'થી ત્રસ્ત!
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

પૂર્વ અમદાવાદની ખારીકટ કેનાલના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટને લઈને ફરી એકવાર સમીક્ષા બેઠક યોજાઈ છે. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં રિવરફ્રન્ટ હાઉસ ખાતે મળેલી બેઠકમાં સાંસદો, મેયર, ધારાસભ્યો અને મ્યુનિસિપલ કમિશનર ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સર્વિસ રોડ, હાઈટ બેરિયર, કેનાલની કેપ્સ્યુલ ડિઝાઇન અને વરસાદી પાણીના નિકાલ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જોકે, વર્ષોથી ચાલતા આ પ્રોજેક્ટની ધીમી કામગીરીને કારણે નરોડા, નિકોલ, ઓઢવ, વસ્ત્રાલ અને વટવાના રહેવાસીઓની મુશ્કેલીઓ યથાવત્ છે. એક સમયે ₹65 કરોડના અંદાજથી શરૂ થયેલો પ્રોજેક્ટ હવે બંને તબક્કા મળીને ₹2,341 કરોડ સુધી પહોંચી ગયો છે. તેમ છતાં કામ પૂર્ણ થવાની રાહ જોવી પડી રહી છે.

₹65 કરોડથી ₹2,341 કરોડ સુધીનો ખર્ચ

ખારીકટ કેનાલના વિકાસ માટે વર્ષ 2011માં ઓપન કેનાલ ડેવલપમેન્ટનો અંદાજિત ખર્ચ ₹65 કરોડ નક્કી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 2017-18માં કેનાલ પર સિક્સ-લેન રોડ બનાવવાની યોજના સાથે ખર્ચ વધારીને ₹452થી ₹500 કરોડ સુધી પહોંચ્યો હતો. વર્ષ 2022માં નરોડા સ્મશાનગૃહથી વિંઝોલ વહેળા સુધીના 12.75 કિલોમીટરના પ્રથમ તબક્કા માટે ₹1,338 કરોડ ફાળવવામાં આવ્યા હતા. તેમાં ₹1,192 કરોડ સિવિલ વર્ક અને બાકીની રકમ બ્યુટિફિકેશન માટે નક્કી કરાઈ હતી. આ તબક્કામાં અત્યાર સુધીમાં ₹700 કરોડથી વધુ ખર્ચ થયો હોવાનું અહેવાલમાં જણાવાયું છે. ત્યારબાદ માર્ચ 2025માં બાકીના 22.4 કિલોમીટરના બીજા તબક્કા માટે વધુ ₹1,003 કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા. આ સાથે સમગ્ર પ્રોજેક્ટનો ખર્ચ ₹2,341 કરોડ સુધી પહોંચી ગયો છે.

જાહેરાત

બે વર્ષમાં પૂર્ણ થવાનું કામ ચાર વર્ષે પણ અધૂરું

પ્રોજેક્ટની સમયમર્યાદા અંગે અગાઉ અનેક વખત જાહેરાતો કરવામાં આવી હતી. જૂન 2022ની બેઠકમાં 2025 સુધીમાં કામ પૂર્ણ કરવાનો દાવો કરાયો હતો. ત્યારબાદ મે અને ડિસેમ્બર 2025ની બેઠકોમાં પ્રથમ તબક્કો 15 જાન્યુઆરી, 2026 સુધીમાં પૂરો કરવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી. જોકે, જાન્યુઆરી 2026માં દસક્રોઈના ભાજપના ધારાસભ્ય બાબુ જમના પટેલે જ કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે બે વર્ષમાં પૂર્ણ થવાનું કામ ચાર વર્ષમાં પણ પૂરું થયું નથી. AMC અને સિંચાઈ વિભાગ વચ્ચે સંકલનના અભાવને કારણે કેનાલમાં પાણી છોડી દેવાતાં કામ અટક્યું હતું અને ખેડૂતોને રવિ પાકમાં નુકસાન વેઠવું પડ્યું હતું.

ટેન્ડર પ્રક્રિયા સામે પણ વિવાદ

વર્ષ 2022માં ₹729 કરોડના ત્રણ ટેન્ડર અંગે પણ વિવાદ થયો હતો. અયોગ્ય કોન્ટ્રાક્ટરોના જોઈન્ટ વેન્ચરને ક્વોલિફાય કરવા મુદ્દે AMCના લીગલ વિભાગે નકારાત્મક અભિપ્રાય આપ્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ મામલે વિપક્ષે પ્રોજેક્ટમાં ગેરરીતિના આક્ષેપો કર્યા હતા. બીજી તરફ, કેનાલ પર RCC બોક્સ બનાવવાની કામગીરી ધીમી હોવાને કારણે આસપાસના વિસ્તારોમાં ધૂળની સમસ્યા, ટ્રાફિક જામ અને કેમિકલયુક્ત ગંદા પાણીની દુર્ગંધથી લોકો પરેશાન છે.

સિક્સ-લેન રોડની યોજના સામે હવે નાના વાહનોની વાત

અગાઉ કેનાલ પર સિક્સ-લેન રોડ બનાવવાની વાત કરવામાં આવી હતી. જોકે, તાજેતરની બેઠકમાં ભારે વાહનોને કારણે રસ્તાને નુકસાન ન થાય તે માટે માત્ર નાના વાહનો (LMV)ને મંજૂરી આપવા અને હાઈટ બેરિયર મૂકવા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ છે. હવે પૂર્વ અમદાવાદના નાગરિકો સમક્ષ મુખ્ય સવાલ એ છે કે વારંવારની સમીક્ષા બેઠકો અને બજેટમાં વધારા બાદ ખારીકટ કેનાલનું કામ ક્યારે પૂર્ણ થશે? અબજો રૂપિયાના ખર્ચ સામે ગુણવત્તાયુક્ત કામ ક્યારે જોવા મળશે અને ગંદકી, દુર્ગંધ તથા ટ્રાફિકની સમસ્યામાંથી ક્યારે મુક્તિ મળશે? નાગરિકોની અપેક્ષા હવે બેઠકોમાં થતી ચર્ચા કરતાં જમીન પર દેખાતા પરિણામોની છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત