Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : AMC big flat ahead of Navratri in Ahmedabad: Ghee-oil failures of well-known brands, 28 units sealed!

અમદાવાદમાં નવરાત્રી પહેલાં AMCનો મોટો સપાટો: જાણીતી બ્રાન્ડ્સના ઘી-તેલ ફેલ, 28 એકમો સીલ થતાં ખળભળાટ!

Timeછેલ્લું અપડેટ : 03 Oct 2026
લાઇવ ટીવીGoogle News
અમદાવાદમાં નવરાત્રી પહેલાં AMCનો મોટો સપાટો: જાણીતી બ્રાન્ડ્સના ઘી-તેલ ફેલ, 28 એકમો સીલ થતાં ખળભળાટ!
સોર્સ : gstv

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ના ફૂડ વિભાગે સપ્ટેમ્બર મહિનામાં શહેરના વિવિધ ખાદ્ય ધંધાકીય એકમોમાં ચેકિંગ અને તપાસ કરી હતી. આ દરમિયાન કુલ 612 ખાદ્યપદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 22 સેમ્પલ અપ્રમાણિત જાહેર થયા હતા. આ ઉપરાંત 28 ખાદ્ય ધંધાકીય એકમોને સીલ અથવા ક્લોઝર કરવામાં આવ્યા હતા. આ સિવાય હવે નવરાત્રીને ધ્યાનમાં રાખીને પણ ખાસ ઝુંબેશ હાથ ધરાશે અને નિયમ ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

App Store

સપ્ટેમ્બરમાં 28 એકમો સીલ

નવરાત્રીના તહેવાર દરમિયાન શહેરમાં વિવિધ સ્થળોએ ગરબા કાર્યક્રમોની સાથે ફૂડ સ્ટોલ પણ ઉભા કરવામાં આવે છે. ત્યારે નાગરિકોને સ્વચ્છ, સલામત અને ગુણવત્તાયુક્ત ખોરાક મળી રહે તે માટે કોર્પોરેશનના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા હવે ગરબા સ્થળો, સોસાયટીઓ, પાર્ટી પ્લોટ અને અન્ય સ્થળોએ આવેલા ફૂડ સ્ટોલનું ચેકિંગ કરવામાં આવશે. જરૂર જણાય ત્યાં ખાદ્યપદાર્થોના સેમ્પલ પણ લેવામાં આવશે અને નિયમભંગ જણાશે તો Food Safety and Standards Act, 2006 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

નિયમનો ભંગ કરવા બદલ ₹21.64 લાખની પેનલ્ટી કરાઈ

સપ્ટેમ્બર દરમિયાન તપાસમાં 9,334 કિલો ખાદ્ય જથ્થો સ્થગિત કરવામાં આવ્યો હતો. આ જથ્થાની કિંમત 21,64,367 રૂપિયા હતી. ફૂડ વિભાગે નિયમભંગ બદલ 12,79,300 રૂપિયાની પેનલ્ટી વસૂલ કરી હતી, જ્યારે કુલ 404 નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી. આ ઉપરાંત 1,863 કિલો/લિટર બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થનો નાશ કરવામાં આવ્યો હતો.

નવરાત્રીના ફૂડ સ્ટોલ માટે FSSAI લાઇસન્સ જરૂરી

કોર્પોરેશનના ફૂડ સેફ્ટી વિભાગે નવરાત્રીના આયોજકોને ફૂડ સ્ટોલ ફાળવતા પહેલાં વેન્ડર પાસે માન્ય FSSAI લાઇસન્સ અથવા રજિસ્ટ્રેશન છે કે નહીં તેની ચકાસણી કરવા જણાવ્યું છે. લાઇસન્સ અથવા રજિસ્ટ્રેશન નંબર સ્ટોલ પર સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યો છે કે નહીં તેની પણ ખાતરી કરવાની રહેશે. ફૂડ વેન્ડરોને ખાદ્યપદાર્થ સ્વચ્છ અને ઢાંકીને રાખવા તેમજ ધૂળ, માખી અને અન્ય દૂષણથી સુરક્ષિત રાખવા સૂચના આપવામાં આવી છે. પીવા અને ખાદ્યપદાર્થ બનાવવા માટે સલામત અને પીવાલાયક પાણીનો જ ઉપયોગ કરવાનો રહેશે. કાચા અને રાંધેલા ખાદ્યપદાર્થો અલગ રાખવા તથા યોગ્ય તાપમાને સંગ્રહ કરવાની પણ સૂચના છે.

એક જ તેલનો વારંવાર ઉપયોગ નહીં કરી શકાય

નવરાત્રીના ફૂડ સ્ટોલને લઈને ખાદ્ય તેલ અંગે પણ ખાસ સૂચના આપવામાં આવી છે. રસોઈ માટે ગુણવત્તાયુક્ત ખાદ્ય તેલનો ઉપયોગ કરવો અને એક જ તેલનો વારંવાર ઉપયોગ ન કરવા જણાવાયું છે. આ ઉપરાંત વાસી, દૂષિત અથવા સમયમર્યાદા પૂર્ણ થયેલા ખાદ્યપદાર્થનો ઉપયોગ કે વેચાણ નહીં કરવા સૂચના આપવામાં આવી છે. ખાદ્યપદાર્થમાં પ્રતિબંધિત અથવા મંજૂર મર્યાદા કરતાં વધુ કૃત્રિમ રંગનો ઉપયોગ નહીં કરવા પણ જણાવાયું છે. ફૂડ બનાવનાર અને પીરસનાર વ્યક્તિઓએ સ્વચ્છ કપડાં, હેડકવર અથવા કેપ તથા જરૂરી હોય ત્યાં ગ્લોવ્ઝનો ઉપયોગ કરવાનો રહેશે. ખાદ્યપદાર્થને હાથથી સીધો સ્પર્શ ટાળીને સ્વચ્છ સાધનોનો ઉપયોગ કરવા તેમજ સ્ટોલની આસપાસ સ્વચ્છતા જાળવવા સૂચના આપવામાં આવી છે. ભીના અને સૂકા કચરા માટે ઢાંકણવાળી અલગ કચરાપેટીની વ્યવસ્થા કરવાની રહેશે.

સપ્ટેમ્બરમાં ઘી, પનીરથી લઈને સોસ અને તેલના સેમ્પલ અપ્રમાણિત

સપ્ટેમ્બરમાં જાહેર થયેલા 22 અપ્રમાણિત સેમ્પલમાં પામોલીન તેલ, Ginger Garlic Paste, Ginger & Garlic, Reused Cooking Oil, સ્વીટ ચટણી, રેડ ગ્રેવી, ગાર્લિક પાવડર, વેજ પફ, સંભાર, મિડિયમ ફેટ પનીર, ફ્રૂટ સ્ક્વોશ, સોયા સોસ સહિતના ખાદ્યપદાર્થોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દેશી ગાય ઘી (ગોપીશ્રી), પ્યોર ગાય ઘી (શ્રી અમૃત), દેશી ગાયનું ઘી (પ્રસંગ) અને પ્રીમિયમ કાવ ઘી- KT KRISHNA, પ્યોર કાવ ઘી-ખુશાલી સહિતના ઘીના સેમ્પલ પણ અપ્રમાણિત જાહેર થયા હતા.

નિયમભંગ કરનારા 28 એકમો સામે સીલની કાર્યવાહી

સપ્ટેમ્બર દરમિયાન કુલ 28 ખાદ્ય ધંધાકીય એકમો સામે સીલ અથવા ક્લોઝરની કાર્યવાહી કરવામાં આવી હતી. તેમાં ફૂડ સેફ્ટી લાઇસન્સ ન હોવું, અનહાઇજેનિક કન્ડિશન, અપ્રમાણિત સેમ્પલ, પ્રતિબંધિત સિન્થેટિક ફૂડ કલરનો ઉપયોગ તથા પેકેજિંગ અને લેબલિંગના નિયમોનું પાલન નહીં કરવાના કિસ્સાઓનો સમાવેશ થાય છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News