અમદાવાદની મહિલા તબીબને NRI પતિ અને સસરાનો ત્રાસ: મકાન ખરીદવા પિયરમાંથી પૈસા લાવવા દબાણ, સાસરેથી કાઢી મૂકી

અમદાવાદની મહિલા તબીબને NRI પતિ અને સસરાનો ત્રાસ: મકાન ખરીદવા પિયરમાંથી પૈસા લાવવા દબાણ, સાસરેથી કાઢી મૂકી
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

શહેરના મેમનગર વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં પોસ્ટ ગ્રેજ્યુએશન (PG)નો અભ્યાસ કરતી 29 વર્ષીય મહિલા તબીબે પોતાના NRI પતિ અને સસરા વિરુદ્ધ માનસિક ત્રાસ અને દહેજ ઉત્પીડનની ફરિયાદ નોંધાવી છે. મહિલા તબીબનો આક્ષેપ છે કે લગ્ન બાદથી જ પતિ અને સસરા દ્વારા તેને નાની-નાની બાબતોમાં હેરાન કરવામાં આવતી હતી. એટલું જ નહીં, નવું મકાન ખરીદવા માટે પિયરમાંથી પૈસા લાવવા દબાણ કરવામાં આવ્યું હતું. પૈસા લાવવાની ના પાડતાં તેને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી. આ મામલે મહિલાએ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. ફરિયાદની વિગતો મુજબ, મહિલા અને તેનો પતિ વર્ષ 2014માં ઉદયપુરની મેડિકલ કોલેજમાં MBBSનો અભ્યાસ કરતી વખતે એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. અભ્યાસ પૂર્ણ થયા બાદ બંને પરિવારની સંમતિથી 23 જૂન, 2020ના રોજ અમદાવાદમાં આર્ય સમાજની વિધિ મુજબ લગ્ન કર્યા હતા. લગ્ન સમયે મહિલાનાં માતા-પિતાએ તેને દાગીના પણ આપ્યા હતા. જોકે, લગ્નના એક અઠવાડિયા બાદ જ પતિ અમેરિકા જતો રહ્યો હતો, જ્યારે મહિલા અમદાવાદમાં રહેતી હતી અને સમયાંતરે જયપુર ખાતે પિયરમાં જતી હતી.

ઘરકામ સહિતની બાબતોમાં સસરા મહેણાં મારતા હોવાનો આક્ષેપ

મહિલા તબીબના આક્ષેપ મુજબ, લગ્ન બાદ તેના સસરા ઘરકામ અને નાની-નાની બાબતોમાં વારંવાર ટોકતા અને મહેણાં મારતા હતા. ત્યારબાદ જ્યારે તે અમેરિકા ગઈ ત્યારે પણ તેની સાથે માનસિક ત્રાસ ચાલુ રહ્યો હતો. આ દરમિયાન તેનો પતિ પણ હંમેશાં પોતાના પિતાનો પક્ષ લેતો હતો.

જાહેરાત

મકાન ખરીદવા પિયરમાંથી પૈસા લાવવાનું દબાણ

વર્ષ 2025માં પતિ અમદાવાદ પરત આવ્યો હતો અને DNB એનેસ્થેસિયોલોજીના કોર્સમાં જોડાયો હતો. ત્યારબાદ બંને સોલા વિસ્તારમાં ભાડાના ફ્લેટમાં રહેવા લાગ્યાં હતાં. જોકે, થોડા સમય બાદ પતિએ ફ્લેટનું ભાડું ચૂકવવાનું બંધ કરી દીધું હતું. આ ઉપરાંત નવું મકાન ખરીદવા માટે પિયરમાંથી પૈસા લઈ આવવા પત્ની પર દબાણ કર્યું હતું. મહિલા તબીબે પૈસા લાવવાની ના પાડતાં પતિએ તેની સાથે રહેવાનું બંધ કરી દીધું હતું અને હવે સંબંધ ચાલુ રાખવામાં રસ ન હોવાનું જણાવ્યું હતું.

સાસરે જતાં ઘરમાં અજાણી યુવતી જોવા મળી

ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ, જૂન 2026માં મહિલા તબીબની તબિયત ખરાબ થતાં તે થલતેજ સ્થિત સાસરીના ઘરે ગઈ હતી. આ દરમિયાન ઘરમાં એક અજાણી યુવતી જોવા મળતાં તેણે સવાલ કર્યો હતો. જોકે, મહિલાના આક્ષેપ મુજબ, પતિ અને સસરાએ તેની સાથે ધક્કામુક્કી કરી તેને ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી.

સમાધાનના પ્રયાસો નિષ્ફળ, અંતે પોલીસ ફરિયાદ

આ સમગ્ર મામલે મહિલાની માતા અને સંબંધીઓએ બંને પરિવારો વચ્ચે સમાધાન કરાવવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ તેમાં સફળતા મળી નહોતી. જુલાઈમાં યોજાયેલી બેઠક દરમિયાન પતિએ છૂટાછેડા લેવાની વાત કરી હતી. અગાઉ પણ મહિલાએ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી, પરંતુ પતિએ સમજાવીને અરજી પાછી ખેંચાવી લીધી હતી. જોકે, સતત માનસિક ત્રાસ અને પારિવારિક વિવાદથી કંટાળીને અંતે મહિલા તબીબે પતિ અને સસરા વિરુદ્ધ દહેજ ઉત્પીડન સહિતની ફરિયાદ નોંધાવી છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત