અમદાવાદની મિત્ર હોસ્પિટલમાં ઘૂંટણની અદ્યતન સારવાર અંગે વિશેષ સેશન યોજાયું

અમદાવાદની ખાનગી મિત્ર ઓર્થોપેડિક સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા ‘ધ ઓક્સફોર્ડ ની સ્ટોરી – લેસ સર્જરી, મોર લાઈફ’ વિષય પર વિશેષ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુકેના જાણીતા ઘૂંટણના સર્જન ડૉ. ક્રિસ્ટોફર ડોડ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સંપૂર્ણ ઘૂંટણ બદલવાની સર્જરી સિવાય ઉપલબ્ધ અદ્યતન સારવાર પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડૉ. ડોડે ઓક્સફોર્ડ પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ પદ્ધતિના ફાયદા અને તેની કાર્યપ્રણાલી વિશે માહિતી આપી હતી. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે દરેક દર્દીને સંપૂર્ણ ઘૂંટણ બદલવાની જરૂર હોતી નથી. ઘૂંટણના નુકસાનના પ્રમાણ અને સ્થિતિના આધારે ઓછી ચીરફાડવાળી સર્જરી પણ વિકલ્પ બની શકે છે. હોસ્પિટલના ડૉ. કાર્તિક શુકલા અને તેમની ટીમ દ્વારા 12 વર્ષથી વધુના અનુભવ સાથે આધુનિક ઓર્થોપેડિક સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ દર્દીઓને યોગ્ય સારવારના વિકલ્પોથી માહિતગાર કરવાનો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત