કપાસના વેપાર માટે શરૂ થયેલી રેલવે આજે બની પશ્ચિમ રેલવેની કરોડરજ્જુ: ઐતિહાસિક જોડાણના 162 વર્ષ પૂર્ણ

ગુજરાત અને મુંબઈ વચ્ચેના રેલવે જોડાણનો ઈતિહાસ માત્ર ટ્રેનની શરૂઆતની કહાની નથી, પરંતુ વેપાર, ટેક્નોલોજી અને પરિવહનના બદલાવની પણ રસપ્રદ ગાથા છે. આજથી બરાબર 162 વર્ષ પહેલાં, 28 નવેમ્બર 1864ના રોજ બોમ્બે, બરોડા એન્ડ સેન્ટ્રલ ઈન્ડિયા રેલવે (BB&CI) દ્વારા ગુજરાતના ઉત્રાણ (સુરત નજીક)થી મુંબઈના ગ્રાન્ટ રોડ સુધી પ્રથમ ટ્રેન દોડાવવામાં આવી હતી. આ ઐતિહાસિક રેલવે જોડાણે ગુજરાત અને મુંબઈ વચ્ચેની મુસાફરીનો નવો માર્ગ ખોલ્યો હતો. સમય જતાં આ જ રેલવે નેટવર્કનો વિકાસ થયો અને આજે પશ્ચિમ રેલવેની કરોડરજ્જુ બન્યું છે.
રસપ્રદ વાત એ છે કે આ રેલવે લાઈનનું નિર્માણ મુસાફરોની સુવિધા કરતાં મુખ્યત્વે વેપારના હેતુથી કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં ઉત્પાદિત થતા કપાસને ઝડપથી મુંબઈના બંદર સુધી પહોંચાડીને ત્યાંથી ઇંગ્લેન્ડ મોકલી શકાય તે માટે 1855માં BB&CI કંપનીની રચના કરવામાં આવી હતી. જોકે, વેપાર માટે શરૂ થયેલી આ રેલવે લાઇન આગળ જતાં લાખો લોકોની રોજિંદી મુસાફરીનો આધાર બની.
નર્મદા પાર કરવા મુસાફરોએ હોડીનો સહારો લેવો પડતો
1864માં ગુજરાતથી મુંબઈ સુધીની રેલવે મુસાફરી આજની જેમ સીધી અને સરળ નહોતી. તે સમયે ભરુચ પાસે નર્મદા નદી પર રેલવે પુલ તૈયાર થયો ન હોવાથી મુસાફરોએ ટ્રેનમાંથી ઉતરીને હોડી મારફતે નદી પાર કરવી પડતી હતી. ત્યારબાદ નદીની બીજી તરફ ઊભેલી ટ્રેનમાં બેસીને આગળની મુસાફરી કરવી પડતી હતી. મુંબઈથી અમદાવાદ વચ્ચેનું આશરે 493 કિલોમીટરનું અંતર કાપવામાં ત્યારે લગભગ દોઢ દિવસ લાગતો હતો. આજે આ જ માર્ગ પર આધુનિક ટ્રેનો કલાકોમાં અંતર કાપે છે.
30 ડબ્બાની પહેલી ટ્રેનમાં ત્રણ શ્રેણીની વ્યવસ્થા
28 નવેમ્બર 1864ના રોજ દોડેલી પ્રથમ ટ્રેનમાં કુલ 30 ડબ્બા હતા. તેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય શ્રેણીના મુસાફરો માટે અલગ વ્યવસ્થા હતી. તે સમયના તૃતીય શ્રેણીના કેટલાક ડબ્બા ડબલ ડેકર પ્રકારના હતા. તેમાં નીચે બેસીને મુસાફરી કરવાની સાથે મુસાફરોને પાછળની તરફ સૂવાની જગ્યા પણ મળતી હતી. એટલે આજના આધુનિક કોચના યુગથી લગભગ દોઢ સદી પહેલાં પણ રેલવેમાં મુસાફરોની જરૂરિયાત મુજબ અલગ પ્રકારના કોચ તૈયાર કરવામાં આવતા હતા.
1860માં શરૂ થયેલું કામ, 1870માં સીધી સેવા
BB&CI દ્વારા ગુજરાતમાં રેલવે લાઈન નાખવાનું કામ 1860માં શરૂ થયું હતું. ફેબ્રુઆરી 1860માં અંકલેશ્વરથી ઉત્રાણ વચ્ચે 29 માઈલ લાંબા પ્રથમ રેલવે ખંડનું ઉદ્ઘાટન થયું હતું. ત્યારબાદ 1862 સુધી લાઈનનો વિસ્તાર વલસાડ સુધી કરવામાં આવ્યો. 20 જાન્યુઆરી 1863ના રોજ અમદાવાદના કાલુપુરથી સુરત વચ્ચે પ્રથમ ટ્રેન દોડાવવામાં આવી હતી. 28 નવેમ્બર 1864ના રોજ ઉત્રાણથી મુંબઈના ગ્રાન્ટ રોડ સુધીનો રેલવે માર્ગ ખુલતાં બંને વિસ્તારો વચ્ચે રેલવે જોડાણનો વધુ એક મહત્ત્વનો તબક્કો પૂર્ણ થયો હતો.
નર્મદા નદી પર પુલ તૈયાર થયા બાદ 1870માં મુંબઈ અને અમદાવાદ વચ્ચે સીધી રેલવે સેવા શક્ય બની હતી. ત્યારબાદ મુંબઈ તરફ રેલવે લાઈનનો વિસ્તાર કરવામાં આવ્યો. 1866-67 દરમિયાન લાઈન બેકબે (ચર્ચગેટ) સુધી અને 1873માં કોલાબા સુધી લંબાવવામાં આવી હતી.
વેપારથી શરૂ થયેલી સફર આજે આધુનિક રેલવે નેટવર્ક સુધી પહોંચી
162 વર્ષ પહેલાં કપાસના પરિવહન માટે શરૂ થયેલી આ રેલવે વ્યવસ્થાએ સમય સાથે ગુજરાત અને મુંબઈ વચ્ચેના આર્થિક, સામાજિક અને પ્રવાસન સંબંધોને મજબૂત બનાવ્યા છે. સ્ટીમ એન્જિન અને મર્યાદિત સુવિધાવાળા 30 ડબ્બાથી શરૂ થયેલી આ સફર આજે ઈલેક્ટ્રિક ટ્રેનો, આધુનિક કોચ, ઉપનગરીય લોકલ અને વંદે ભારત જેવી ઝડપી ટ્રેનો સુધી પહોંચી છે. BB&CIના ઐતિહાસિક વારસામાંથી વિકસેલું પશ્ચિમ રેલવેનું નેટવર્ક આજે ગુજરાત સહિત અનેક વિસ્તારોને દેશના રેલવે નકશા સાથે જોડવાનું મહત્ત્વનું કામ કરી રહ્યું છે.















