લીમડાના ઝાડ પર ચઢી પતરૂ ખોલ્યું અને iPhone-લેપટોપ ઉઠાવી ગયા! ચાંગોદરની 1 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો

અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા મળી છે. પોલીસે ચાંગોદર ખાતે આવેલી 'ઇન્ગ્રામ માઇક્રો ઇન્ડિયા પ્રા.લિ.' ના વેરહાઉસમાંથી થયેલી રૂ. 99.99 લાખની કિંમતની મોંઘી ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે અને આંતર-રાજ્ય ગેંગના પાંચ શખ્સોને દબોચી લીધા છે.
ફિલ્મી ઢબે આપ્યો હતો ચોરીને અંજામ
ઘટનાની વિગતો મુજબ, ગત 21 ઓક્ટોબરના રોજ તસ્કરોએ અત્યંત શાતિર રીતે વેરહાઉસને નિશાન બનાવ્યું હતું. આરોપીઓ વેરહાઉસની પાછળ આવેલા ખેતરના રસ્તે આવ્યા હતા અને લીમડાના ઝાડની મદદથી ઉપર ચઢી દિવાલ પરનું પતરૂ ખોલી અંદર પ્રવેશ્યા હતા. ત્યારબાદ વેરહાઉસમાંથી આઈફોન (iPhone), લેપટોપ, આઈપેડ અને સ્માર્ટ વોચ સહિતનો અંદાજે 1 કરોડ રૂપિયાનો મુદ્દામાલ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.
ટેકનિકલ સર્વેલન્સથી ખેડા હાઈવે પરથી ઝડપાયા
ચોરીની ગંભીરતાને જોતા અમદાવાદ ગ્રામ્ય LCBએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ તપાસ્યા હતા. શંકાસ્પદ વાહનોનું રૂટ મેપિંગ કર્યું હતું. ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓનું લોકેશન ટ્રેસ કર્યું હતું. સચોટ બાતમી અને ટેકનિકલ તપાસના આધારે LCBની ટીમે ખેડા-અમદાવાદ હાઈવે પર વોચ ગોઠવી અર્ટિગા કાર સાથે આ આંતર-રાજ્ય ગેંગને ઝડપી પાડી હતી. પોલીસે તેમની પાસેથી ચોરી થયેલા આઈફોન અને અન્ય ગેજેટ્સ સહિત રૂ. 87.22 લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કર્યો છે.
ઝડપાયેલા આરોપીઓની યાદી
પોલીસ સકંજામાં આવેલા પાંચ આરોપીઓની ઓળખ નીચે મુજબ થઈ છે:
માયા ઉર્ફે સંદીપ જયપ્રકાશ પટેલ
મોહમદ સમીમ મોહમદ કલીમ મોહમદ સબીબ ખાન
સુરેન્દ્રકુમાર જગદીશભાઈ પટેલ
આકાશ છબીરામ ચૌહાણ
કમલેશગીરી ધનગીરી ગોસ્વામી
ગૂગલ (Google) પર શોધતા હતા ટાર્ગેટ
પોલીસ પૂછપરછમાં ચોંકાવનારી વિગત સામે આવી છે કે આ ગેંગ ચોરી કરતા પહેલા ગૂગલ (Google) પર મોટા વેરહાઉસ શોધતી હતી અને ત્યારબાદ સ્થળ પર જઈ રેકી કરીને ચોરીનો પ્લાન બનાવતી હતી. આ આરોપીઓ અગાઉ પણ અન્ય રાજ્યોમાં આ પ્રકારની મોટી ચોરીઓમાં સંડોવાયેલા હોવાનું ખુલ્યું છે. હાલ તમામ આરોપીઓને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે ચાંગોદર પોલીસને સોંપવામાં આવ્યા છે.








