અમદાવાદ: આશા વર્કર કર્મચારીઓનું રાજ્યવ્યાપી સંમેલન, 22 પડતર માંગ મામલે વિશાળ રેલીનું આયોજન
લઘુતમ વેતનથી પણ ઓછું વેતન મેળવતાં આંગણવાડી- આશા વર્કર કર્મચારીઓ પાસે સરકારે ડિજિટલ કામગીરીનો આગ્રહ શરૂ કર્યો

લઘુતમ વેતનથી પણ ઓછું વેતન મેળવતાં આંગણવાડી- આશા વર્કર કર્મચારીઓ પાસે સરકારે ડિજિટલ કામગીરીનો આગ્રહ શરૂ કર્યો છે પરંતુ, આ કામ માટે મોબાઈલ ખરીદવા કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને આપેલી રૂ.60 કરોડની ગ્રાન્ટ એક વર્ષથી વપરાયા વગરની ધૂળ ખાતી હોવાનો કર્મચારી સંગઠને આક્ષેપ કર્યો છે. જયારે, રાજ્ય સરકારના આગામી બજેટમાં આંગણવાડી- આશા વર્કર કર્મચારીઓના વિવિધ 22 પ્રશ્નોને સમાવિષ્ટ કરી તેનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ સાથે આજે રવિવારે અમદાવાદમાં આંગણવાડી- આશા વર્કર કર્મચારીઓનું રાજયવ્યાપી સંમેલન મળશે.
રૂ.60 કરોડની ગ્રાન્ટ એક વર્ષથી વપરાયા વગરની ધૂળ ખાતી હોવાનો કર્મચારી સંગઠને આક્ષેપ કર્યો
ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠને આક્ષેપમાં જણાવ્યું કે, મહિલા અને બાઓળ વિકાસ વિભાગની પાયાની કામગીરી સંભાળતી રાજયની એકલાખથી વધુ આંગણવાડી વર્કર બહેનો તેમજ આરોગ્ય વિભાગ હેછળ સેવા આપતી આશાવર્કર અને ફેસિલેટર બહેનો અનેક મુશ્કેલીઓ વચ્ચે સેવા બજાવી રહી છે. આંગણવાડી- આશા વર્કર કર્મચારીઓને અપાતા નજીવ વેતનની સુપ્રીમ કોર્ટે પણ ગંભીર નોંધ લીધી છે જયારે, હાઈકોર્ટે આ કર્મચારીઓને કાયમી કરી લધુતમ વેતન આપવ આદેશ કર્યો છે. પરંતુ, હજુ સુધી તેનો અમલ થયો ન હોવાનું તેમણે આક્ષેપમાં ઉમેર્યું હતું.
સંગઠને વધુમાં જણાવ્યું કે, એક તરફ કેન્દ્ર અને રાજ્યની વિવિધ યોજનાઓ અંગેની મોટાભાગની કામગીરી આંગણવાડી- આશા વર્કર કર્મચારીઓ પાસે જ કરાવવામાં આવે છે. હાલ આ કામગીરીને ડિજિટલ બનાવવામાં આવી રહી છે જેના ભાગરૂપે કર્મચારી બહેનોને કામગીરી માટે મોબાઈલ આપવા માટે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને ગ્રાન્ટ પેટે રૂા.60 કરોડ આપ્યા છે પરંતુ, એક વર્ષથી આવેલી આ રકમનો ઉપયોગ થયો ન હોવાથી કર્મચારીઓની કામગીરી બેવડાઈ રહી છે.
રાજમાર્ગો પર વિશાળ રેલી પણ યોજાશે
આંગણવાડી- આશા વર્કર કર્મચારીઓના અલગ-અલગ 22 પ્રશ્નો અંગે વખતો વખત રજૂઆત કરવામાં આવી છે છતાં તેનો હજુ સુધી ઉકેલ આવ્યો નથી. આજે માંગણીઓને દહોરાવવા માટે અમદાવાદ સાબરમતિ બેન્ક પાર્ટી પ્લોટ નજીક બપોરે 12 કલાકે આંગણવાડી- આશા વર્કર કર્મચારીઓનું રાજયવ્યાપી સંમેલન મળશે. તે પૂર્વે રાજમાર્ગો પર વિશાળ રેલી પણ યોજાશે. આ બન્ને કાર્યક્રમમાં રાજયભરમાંથી એકાદ લાખ કર્મચારીઓ હાજરી આપશે જેમાં ભાવનગર શહેર અને જિલ્લામાંથી 500થી વધુ કર્મચારીઓ જોડાશે. તેમ સંગઠનના મહામંત્રીએ વિગતો આપતાં જણાવ્યું હતું.






