AHMEDABAD : રાજીવ ગાંધી ભવન ખાતે પથ્થરમારાની ઘટનામાં કોર્ટે કોંગ્રેસના 5 કાર્યકર્તાઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
Ahmedabad News : ગઈકાલે ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્

Ahmedabad News : ગઈકાલે ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું, ત્યારબાદ પથ્થરમારાની ઘટનામાં ભાજપના કાર્યકરો તેમજ 4થી 5 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. આ ઘટનામાં ભાજપની ફરિયાદ બાદ એલિસબ્રિજ પોલીસે કાર્યવાહી કરતા 21 કોંગ્રેસ કાર્યકરો સામે નામજોગ ફરિયાદ દાખલ કરીને કોંગ્રેસના 5 કાર્યકરોની અટકાયત કરી હતી. આ તમામને આજે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તમામના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પાંચેય આરોપીના 6 જુલાઈ સાંજે ચાર વાગ્યા સુધી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં છે.
આ 5 કોંગ્રેસ કાર્યકરો રિમાન્ડ પર
- હર્ષ પરમાર
- વિમલ પંસારા
- મનીષ ઠાકોર
- સંજય બારોટ
- મુકેશ દાતનીયા
પોલીસ અને ભાજપે કોંગ્રેસના કાર્યકરો સામે ફરિયાદ નોંધાવી હતી. પથ્થરમારામાં ઘાયલ થયેલા પાલડી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ કર્મરાજસિંહે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં અને ભાજપના અમદાવાદ શહેર યુવા મોરચા પ્રમુખ વિનય દેસાઈએ પણ પોલીસ ફરિયાદ કરી છે. કોંગ્રેસ દ્વારા હજુ સુધી કોઈ ફરિયાદ કરવામાં આવી નથી.
6 પોલીસકર્મી અને 1 હોમગાર્ડ જવાન ઈજાગ્રસ્ત થયા હતા
ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થયેલા પથ્થરમારામાં એસીપી, કોન્સ્ટેબલ અને હોમગાર્ડ સહિત 7 લોકોને ઈજા પહોંચી હતી. પાલડી પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ કર્મરાજસિંહને માથા પર પથ્થર વાગતા તેઓ બેભાન થયા હતા, આ અંગે એક ફરિયાદ તેમણે નોંધાવી છે. આ ફરિયાદમાં AMCમાં કોંગ્રેસના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ, પ્રગતિ આહીર, હેતા પારેખ અને કોંગ્રેસના 200થી 250 જેટલા અને ભાજપના 150-200 કાર્યકરો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ ફરિયાદ કલમ 189(2),191(2),190,191(3),125(બી),121(1),121(2) મુજબની ફરિયાદ નોંધવામાં આવી છે.
રાહુલ ગાંધીના નિવેદન બાદ વિરોધ શરૂ થયો હતો.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે પહેલી જુલાઈએ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન હિંદુ પર આપેલા નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે. દિલ્હીમાં ભાજપના અનેક નેતાઓએ તેમના નિવેદનની નિંદા કરી હતી અને રાહુલ ગાંધીની માફી માંગવાની માંગ કરી હતી.
ગઈકાલે અમદાવાદના કોંગ્રેસ કાર્યાલયમાં વીએચપી અને બજરંગદળના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. આ દરમિયાન કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો સામેસામે આવી ગયા હતા અને પથ્થરમારો થયો હતો.








