અમદાવાદમાં વધુ એક ડિજિટલ અરેસ્ટ રેકેટ : પોલીસ અને સુપ્રીમ કોર્ટના CJIની ઓળખ આપી વૃદ્ધા પાસેથી પડાવ્યાં 1.26 કરોડ
Digital arrest racket in Ahmedabad : અમદાવાદમાં ડિજિટલ અરેસ્ટનું વધુ એક રેકેટ પકડાયુ

Digital arrest racket in Ahmedabad : અમદાવાદમાં ડિજિટલ અરેસ્ટનું વધુ એક રેકેટ પકડાયું છે, જેમાં આરોપીએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ અને પોલીસની ઓળખ આપી વૃદ્ધાને ડિજિટલ અરેસ્ટ કરીને 1.2 કરોડ પડાવ્યાં હતા. સાયબર ક્રાઇમે 4 આરોપીઓની ધરપકડ કરી છે.
વૃદ્ધાને ડિજિટલ અરેસ્ટ કરી 1.26 કરોડ રૂપિયા પડાવ્યા
અમદાવાદ સાયબર ક્રાઇમે ડિજિટલ અરેસ્ટ રેકેટમાં વધુ એક ગેંગનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદ સાયબર ક્રાઈમને એક મહિના પહેલા ફરિયાદ મળી હતી કે એક વૃદ્ધ મહિલા પાસેથી કેટલાક શખ્સોએ 1.26 કરોડ રૂપિયા પડાવ્યા હતા. જેમાં શખ્સોએ વૃદ્ધાને મની લોન્ડરીંગ કેસ કરવાનો ડર બતાવીને એક બનાવટી IPS બની ડિજિટલ અરેસ્ટ કરવાનું કહી પૈસા પડાવ્યા હતા. આ કેસમાં આરોપીઓએ વૃદ્ધાને સુપ્રીમ કોર્ટના નકલી જજની સાથે વાત કરાવી ખોટું અરેસ્ટનામાનું જજમેન્ટ મોકલી નાણાં પડાવ્યા હતા. આ કેસમાં તપાસ કરતા સાયબર ક્રાઇમ બ્રાન્ચે 4 આરોપીની ધરપકડ કરી ડિજિટલ અરેસ્ટ રેકેટનો પર્દાફાશ કર્યો છે.
આરોપીઓની વિગત
- મોહમ્મદ જાવેદ
- તરુણસિંહ વાઘેલા
- બ્રિજેશ પારેખ
- શુભમ ઠાકર
ગેંગનો મુખ્ય આરોપી કોમ્બોડિયામાં હોવાનું સામે આવ્યું
તપાસમાં સામે આવ્યું કે મોહમ્મદ હુસેન જાવેદ અલી અને તરુણસિંહ વાઘેલા નામના આરોપી એકાઉન્ટ ભાડે આપતા. આબન્ને આરોપીની પૂછપરછ કરતા આરોપી બ્રિજેશ પારેખનું નામ સામે આવ્યું. જે બાદ બ્રિજેશને પકડી પૂછતાછમાં મુખ્ય આરોપી શુભમ ઠાકરનુંનામ સામે આવતા તેની પણ ધરપકડ કરવામાં આવી. સમગ્ર કેસમાં મુખ્ય આરોપી શુભમ ઠાકર હોવાનું સામે આવ્યું. જેના દ્વારા ઠગાઈના પૈસા રોકડા એકઠા કરીને વોન્ટેડ આરોપી એવા રાજસ્થાનના શખ્સને આપતા હતા. જેની વધુ તપાસ કરતા આખી ગેંગ ડિજિટલ અરેસ્ટ કરવાના બહાને ઠગાઈ કરતી ગેંગનો મુખ્ય આરોપી કોમ્બોડિયામાં હોવાનું સામે આવ્યું. આ કેસમાં મુખ્ય આરોપી શુભમ ઠગાઇના પૈસામાં 10 ટકા કમિશન મેળવતો હતો. આરોપી પાસેથી પોલીસે 10 લાખ રોકડા કબજે પણ કર્યા.
આરોપીઓ પર અગાઉ પણ નોંધાયા છે ગુના
પકડાયેલા શખ્સોની તપાસમાં હુસેન 10 પાસ છે, બ્રિજેશ 9 પાસ છે તરુણ બી.કોમ.અને શુભમ બેચલર ઓફ ડિઝાઇન કરેલ છે. તપાસમાં એ પણ સામે આવ્યું કે શુભમ સામે અગાઉ હરિયાણામાં ગુનો દાખલ થયેલ છે. તેમજ તરુણ બોગસ ieltsની પરીક્ષા કૌભાંડમાં ઝડપાઈ ચુક્યો છે. જે અંગે પણ વધુ તપાસ હાથ ધરાઈ છે. સાથે પોલીસે પણ તપાસ કરી રહી છે કે આરોપીઓ સામે કેટલા ગુના દાખલ છે અને કેટલા લોકોને ભોગ બનાવ્યા છે. કેમ કે મુખ્યગેંગ ઓનલાઈન સંપર્કમાં રહી રેકેટ ચલાવી રહી છે. તો હજુ ફરાર લોકોની શોધખોળ પણ ચાલુ છે. આ કેસની વધુ તપાસમાં મોટા ખુલાસા થાય તેવી પણ શકયતા છે.








