અમદાવાદ-ભૂજ 'વંદે ભારત'ની ટ્રાયલ થઈ સફળ, ફક્ત પાંચ કલાકમાં જ ભુજ પહોંચી
આગામી નવરાત્રી-દિવાળી આસપાસથી ભુજ- અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેન નિયમીતપણે દોડતી થશે તેવા અણસાર જાગ્યા છે

આગામી નવરાત્રી-દિવાળી આસપાસથી ભુજ- અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેન નિયમીતપણે દોડતી થશે તેવા અણસાર જાગ્યા છે. ભુજ- અમદાવાદ વચ્ચે વંદે ભારતની ટ્રાયલ સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. અમદાવાદથી ભુજનું અંતર પાંચ કલાકમાં કાપી મેટ્રો ટ્રેન ત્રણ યુનિટના કુલ 12 એસી કોચ સાથે બપોરે 12.59 કલાકે ભુજ આવી હતી.
અમદાવાદથી ભુજ પહોંચતાં પાંચ કલાક લાગ્યા
સફળ ટ્રાયલમાં પાંચ કલાકમાં પહોંચેલી વંદે ભારત આગામી તહેવારોથી નિયમીતપણે દોડે અને સાડા ત્રણ કલાકમાં ભુજ-અમદાવાદની સફર પૂર્ણ કરે તેવું આયોજન હોવાનું રેલવે તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું. ઔદ્યોગિક અને પ્રવાસનને સાંકળતા કચ્છમાંથી વંદે ભારત ટ્રેન નજીકના ભવિષ્યમાં મુંબઈથી ભુજ વાયા અમદાવાદ દોડાવાય અને તેને વંદે ભારત મેટ્રો નામ અપાય તેવી સંભાવના છે.
મુસાફરીનો સમય ઘટે તેવી શક્યતા
ભુજ રેલવે અધિકારી કે.કે. શર્માએ જણાવ્યું હતું કે, વંદે ભારત ટ્રેનમાં ઓટોમેટિક દરવાજા છે. જેનું સંપૂર્ણ સંચાલન રેલ એન્જિનમાંથી થાય છે. કચ્છને હાઈસ્પીડ ટ્રેન મળવાથી ભુજથી અમદાવાદ માત્ર પાંચ કલાકમાં પહોંચી શકાશે. ટ્રાયલનો રિપોર્ટ મુંબઇ મોકલાયો છે આ રિપોર્ટ બાદ આગામી સમયમાં ટ્રેનને કયારથી દોડાવવી તેનો અંતિમ નિર્ણય લેવામાં આવશે.








