ગુજરાત AAPમાં વધુ એક વિકેટ પડશે! ઉમેશ મકવાણા બાદ વધુ એક ધારાસભ્ય નિષ્ક્રિય થયા
ગુજરાતમાં પશુપાલકો, ખેડૂતો સહિત ગ્રામજનો વિવિધ મુદ્દે આંદોલન કરી રહ્યા છે. આ ઉપરાંત ધારાસભ્ય ચૈત

ગુજરાતમાં પશુપાલકો, ખેડૂતો સહિત ગ્રામજનો વિવિધ મુદ્દે આંદોલન કરી રહ્યા છે. આ ઉપરાંત ધારાસભ્ય ચૈતર વસાવા જેલના સળિયા પાછળ ધકેલાયાં છે. આ મુદ્દાને રાજકીય રંગ અપાયો છે ત્યારે AAPના સુપ્રિયો કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતની મુલાકાતે છે તેમ છતાંય ધારાસભ્ય સુધીર વાઘાણી દેખાયાં નથી. ધારાસભ્યની સૂચક ગેરહાજરીને પગલે આપમાં વધુ એક વિકેટ પડે તેવી રાજકીય અફવાએ જોર પકડ્યુ છે.
વિસાવદરમાં વિજય બાદ AAP ગુજરાતમાં સક્રિય, ધારાસભ્ય સુધીર વાઘાણી નિષ્ક્રિય
વિસાવદરમાં પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો વિજય થયો છે. ગોપાલ ઇટાલિયાની જીત બાદ ગુજરાતમાં મૃતપ્રાય આમ આદમી પાર્ટીને જાણે સંજીવની મળી છે. આપના પ્રદેશ નેતાઓએ હવે પ્રજાલક્ષી પ્રશ્નો મુદ્દે લોકો વચ્ચે પહોંચી રહ્યાં છે.
એટલુ જ નહીં, સાબરકાંઠામાં ભાવફેર મામલે પશુપાલકો સાબરડેરીના સત્તાધીશો સામે શિંગડા ભેરવીને બેઠાં છે ત્યારે આપે મોડાસામાં મહાપંચાયત કરી પશુપાલકો માટે લડત લડવા એલાન કર્યુ હતું. આ ઉપરાંત ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે ત્યારે આપે જ્યાં સુધી જેલમાંથી મુક્ત નહીં કરાય ત્યાં સુધી લડત લડવા નક્કી કર્યુ છે. હાલ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતની મુલાકાતે છે.
સુધીર વાઘાણી AAPના એકેય કાર્યક્રમમાં દેખાયાં નથી
કેન્દ્રીય નેતૃત્ત્વ ગુજરાતની મુલાકાતે હોય ત્યારે આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને હેમંત ખવા જ દેખાયા હતાં. ગારીયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી AAPના એકેય કાર્યક્રમમાં દેખાયાં નથી. એવી ચર્ચા છે કે, સુધીર વાઘાણી નિષ્ક્રિય થયા છે. આ જોતાં ઉમેશ મકવાણાએ દંડકપદેથી રાજીનામુ ધરી દીધુ છે. ધારાસભ્યપદે યથાવત રહ્યાં છે ત્યારે હવે સુધીર વાઘાણી પણ આપને અલવિદા કરે તો નવાઇ નહીં.AAPનો વધતો રાજકીય પ્રભાવ રોકવા ભાજપ ઓપરેશન કમલ કરે તેવી શક્યતા જોવાઇ રહી છે.








