સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થર, કાંદા, બટાકા બાદ બોટલ ફેંકાતા પોલીસ થઈ દોડતી, ગોઠવાયો ચાંપતો બંદોબસ્ત
સુરતમાં વિધ્નહર્તાનો ઉત્સવ સુખ અને શાંતિમય આ વખતે પસાર ન થતો હોય તેવું સામે આવી

સુરતમાં વિધ્નહર્તાનો ઉત્સવ સુખ અને શાંતિમય આ વખતે પસાર ન થતો હોય તેવું સામે આવી રહ્યું છે. સૈયદપુરામાં પથ્થરમારા બાદ ધાસ્તિપુરામાં પંડાલ પર કાંદા-બટેકા ફેંકાયા હતા. ત્યારે હવે નાનપુરા માછીવાડમાં બોટલ ફેંકાઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. રાત્રિના સમયે થયેલી ટિખળને લઈને પોલીસ તંત્ર દોડતું થયું હતું.
ઉત્સવના રંગમાં ભંગ
રાત્રિના સમયે નાનપુરા માછીવાડમાં ભાજપના કોર્પોરેટર અશોક રાંદેરીયાના પૈતૃક ઘર નજીક ગણપતિ બાપ્પાનો પંડાલ ઉભો કરવામાં આવ્યો છે. રંગેચંગે અહિં ઉત્સવ ઉજવવામાં આવે છે. રોજે રોજ આરતી કરવામાં આવે છે. ત્યારે અહિં બોટલ નાખવામાં આવી હતી. જેથી ભારે હોબાળો મચી ગયો હતો. સોડાની બોટલ પડી કે, કોઈએ મારી એ પણ મોટો સવાલ ઉભો થયો છે.
સીસીટીવીના આધારે તપાસ
મોડી રાતનો બનાવ હોવાથી પોલીસ તંત્ર દોડતું થયું હતુ. સમગ્ર ઘટના અંગે શહેર પોલીસ કન્ટ્રોલને કોલ મળ્યો હતો. ત્યારબાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. નજીકમાં લાગેલા CCTVના આધારે તપાસ તેજ કરાઈ છે. હાલ એ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત મુકવામાં આવ્યો છે. અઠવાલાઇન્સ પોલીસે સમગ્ર મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે.






