રાજ્ય સરકારે કરી કબૂલાત, અદાણી ગ્રૂપ જમીન-સબસિડી લે છે પણ સ્થાનિકોને નથી આપતું રોજગારી
વાઇબ્રન્ટ ગુજરાત પાછળ કરોડોનો ધુમાડો કરી ઉદ્યોગો માટે લાલજાજમ પાથરવામાં આવે છે. ઉદ્

વાઇબ્રન્ટ ગુજરાત પાછળ કરોડોનો ધુમાડો કરી ઉદ્યોગો માટે લાલજાજમ પાથરવામાં આવે છે. ઉદ્યોગોને મોંઘી જમીનોની ખેરાત કરી લાખો યુવાઓને રોજગારી આપવામાં આવશે તેવી ડિંગો હાંકવામાં આવે છે પણ વાસ્તવિકતા કઇંક અલગ છે.
કોર્પોરેટ ઉદ્યોગો રોજગારીના નામે સરકારને ઠેંગો દેખાડે છે
ખુદ રાજ્ય સરકારે જ કબૂલ્યું છેકે, ઉદ્યોગો 85 ટકા સ્થાનિકોને રોજગારી આપવાના નિયમોનો ધરાર ઉલ્લંઘન કરી રહ્યાં છે તેમ છતાં ઉદ્યોગ વિભાગ મૌન ધારણ કરીને બેઠું છે. વિધાનસભામાં પણ આ વાતનો ખુલાસો થયો છેકે, કચ્છ જિલ્લામાં મુંદ્રા ખાતે અદાણી ગ્રૂપ દ્વારા સ્થાનિકોને રોજગારી જ અપાતી નથી. નિયમોનો ધરાર ઉલ્લંઘન કરવામાં આવે છે તેમ છતાંય કોઇ પગલાં લેવાતાં નથી.
લાખો સ્થાનિકો રોજગાર વિના ફાંફા મારી રહ્યાં છે
એક બાજુ, ગુજરાત સરકાર ઉદ્યોગગૃહોને છુટા હાથે મોંઘી જમીનો ઉપરાંત કરોડો રૂપિયા સબસિડી, વેરામાફીની લ્હાણી કરી રહી છે ત્યારે બીજી બાજુ, હજારો લાખો સ્થાનિકો રોજગાર વિના ફાંફા મારી રહ્યાં છે. ઉદ્યોગોને ફરજિયાત 85 ટકા રોજગારી આપવાનું ચુસ્ત પાલન કરવા નામપુરતી સૂચના આપવામાં આવે છે પણ તેનું કોઇ પાલન કરતુ નથી.
વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય શૈલેષ પરમારે પૂછેલા પ્રશ્નના જવાબમાં ભાજપ સરકારની ગુજરાતના સ્થાનિક યુવાનોને અન્યાય કરતી નીતિ પોલ ખુલ્લી પડી છે. આજે ઘણા વિસ્તારોમાં રોજગારી ન મળતાં યુવાઓને શહેરો તરફ સ્થળાંતર કરવું પડે છે. વિધાનસભામાં ખુદ સરકારે એકરાર કર્યોકે, કચ્છ જિલ્લામાં મુદ્રા ખાતે અદાણી પાવર લીમીટેડ કંપની 85 ટકા સ્થાનિકો રોજગારી અપાતી નથી. નિયમોનુ પાલન થતુ નથી ત્યારે શ્રમ રોજગાર વિભાગે માત્રને માત્ર એક પત્ર પાઠવીને દેખાડો કર્યો છે. આ ઉપરાંત સ્થાનિક રોજગારીના નિયમની જોગવાઈનો અમલ થાય માટેબેઠક યોજીને સંતોષ માન્યો છે.
જમીનો-સબસિડીનો લાભ લેવો છે પણ સ્થાનિકોને રોજગારી આપવી નથી
ઉદ્યોગોને જમીનો-સબસિડીનો લાભ લેવો છે પણ સ્થાનિકોને રોજગારી આપવી નથી. ગૃહમાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પણ એ સવાલ ઉઠાવ્યો કે, લધુમત વેતન અપાતુ નથી. કામદારોનું નર્યુ શોષણ કરવામાં આવી રહ્યુ છે ત્યારે શ્રમ રોજગાર વિભાગ પાસે પુરતો સ્ટાફ નથી તે સરકાર ભરવા માંગે છે કે કેમ ? આ મામલે મંત્રી બળવંતસિંહ રાજપૂતે સરકાર કામદારોની ચિંતા કરી રહી છે તેવી વાતો કરી ઉદ્યોગ-ફેકટરી સંચાલકોનો બચાવ કર્યો હતો. વાયબ્રન્ટ ગુજરાત વખતે લાખો યુવાનોને રોજગારી આપીશું તેવા વચન આપનારાં કોર્પોરેટ ઉદ્યોગો આજે સરકારને જ ઠેંગો દેખાડી રહ્યાં છે. આ વાત પરથી ઉદ્યોગપતિઓ માટે કામ કરતી સરકારનો આક્ષેપ સાચો પુરવાર થઇ રહ્યો છે.








