‘સમાધાન આજે કે કાલે પણ નહીં, ક્ષત્રિયો રૂપાલાની ટિકિટ કાપવાની વાત પર અડગ’ મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળેલી બેઠક નિષ્ફળ
મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળેલી બેઠ

મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળેલી બેઠક બાદ પરશોત્તમ રૂપાલાના નિવેદન મામલે ક્ષત્રિય સમાજમાં વિરોધનો વંટોળ અટકે તેમ લાગી રહ્યું નથી. ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે મુખ્યમંત્રીના નિવાસસ્થાને એકાએક બેઠકનું આયોજન કરવામાં આવ્યા બાદ સુખદ સમાધાનની આશા વચ્ચે ક્ષત્રિયો પોતાના વલણ બાબતે અડગ રહ્યાં હતા.
રૂપાલાનો દરેક જગ્યાએ કરાશે વિરોધ
મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળેલી બેઠકમાં આગેવાનોએ જણાવ્યું હતું કે સ્વાભિમાન સાથે સમાધાન આજે પણ નહિ અને કાલે પણ નહિ થાય, આંદોલન યથાવત રહેશે..તેમજ પરશોત્તમ રૂપાલા જયાં જયાં પ્રચાર કરવા જશે ત્યાં ત્યાં ક્ષત્રિયો દ્વારા વિરોધ કરવામાં આવશે.ક્ષત્રિય સમાજ દરેક જિલ્લામાં સંમેલનના આયોજન કરવામાં આવશે..આગેવાનોએ એક સુરમાં જણાવ્યું હતું કે ક્ષમા વીરસ્ય ભૂષણમ્ મા માફીની વાત કરવામાં આવે છે પરંતુ બેન બેટીના સંદર્ભે માફી ના હોય.
મુખ્યમંત્રીના નિવાસસ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ હાજરની હાજરીમાં ક્ષત્રિય આગેવાનોની બેઠક મળી હતી. આ બેઠકમાં ક્ષત્રિય સમાજનો એક જ સૂર હતો કે રૂપાલાની ટિકિટ રદ જ થવી જોઇએ. ગુજરાત હાઇકમાન્ડ કેન્દ્રીય હાઇકમાન્ડ સાથે પરામર્શ કર્યા બાદ હવે પછીનો નિર્ણય કરશે. વચગાળાનો રસ્તો કાઢવાની ભાજપના નેતાઓની માંગણી નામંજૂર કરવામાં આવી છે.
19 એપ્રિલ સુધી રૂપાલાની ટિકિટ રદ કરવાનું અલ્ટીમેટમ
એક તરફ આજે વિવાદ વચ્ચે પરશોત્તમ રૂપાલા ઉમેદવારી પત્રક ભરવાના છે.રાજકોટના રતનપરમાં ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં ગુજરાત સહિત રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યમાંથી ક્ષત્રિયો આવ્યા હતા. આ સંમેલનમાં ભાજપને પડકાર આપતા ક્ષત્રિયોએ એક જ સૂરમાં 19મી સુધીમાં રૂપાલાની ટિકિટ રદ કરવાનું અલ્ટીમેટમ આપ્યું હતું.








