મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ એરપોર્ટ પર દુબઈથી આવેલી મહિલા સામે કાર્યવાહી, શરીરમાં છુપાવેલું 36 લાખનું સોનું જપ્ત

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અમદાવાદ કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્

અમદાવાદ એરપોર્ટ પર દુબઈથી આવેલી મહિલા સામે કાર્યવાહી, શરીરમાં છુપાવેલું 36 લાખનું સોનું જપ્ત
આ સમાચાર સાંભળો

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અમદાવાદ કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દુબઈથી આવેલી એક મહિલા મુસાફર પાસેથી પોતાના શરીરમાં છુપાવેલી સોનાની પેસ્ટ રિકવર કરી 35.84 લાખ રૂપિયાની કિંમતનું 244.16 ગ્રામ (24 કેરેટ) સોનું જપ્ત કરવામાં આવ્યું છે.

DRIની ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી

કસ્ટમ અધિકારીઓના જણાવ્યાનુસાર, 28મી જુલાઈના રોજ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) તરફથી ઇનપુટ્સ મળ્યા હતા. જેના આધારે, દુબઈથી ફ્લાયદુબઈની ફ્લાઇટ નંબર FZ 437 મારફતે અમદાવાદ પહોંચેલી શંકાસ્પદ મહિલા મુસાફરને AIUના અધિકારીઓએ લેન્ડિંગ થતાં જ અટકાવી હતી.

તપાસ દરમિયાન પેસ્ટ સ્વરૂપે સોનું મળ્યું

મહિલા મુસાફરની ઝીણવટભરી અને વિગતવાર તપાસ કરવામાં આવતા તેના શરીરમાંથી 270 ગ્રામ સોનાની પેસ્ટ મળી આવી હતી. કસ્ટમ્સ ટીમે જપ્ત કરાયેલી પેસ્ટ પર પ્રક્રિયા કરીને તેને 24 કેરેટ શુદ્ધતા ધરાવતા TT બારમાં રૂપાંતરિત કરી હતી. આ પ્રક્રિયા બાદ શુદ્ધ સોનાનું વજન 244.16 ગ્રામ નોંધાયું હતું. જપ્ત કરાયેલા સોનાની વર્તમાન અંદાજિત બજાર કિંમત 35.84 લાખ રૂપિયા આંકવામાં આવી છે.

કસ્ટમ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ, નેટવર્ક શોધવા તપાસ શરૂ

કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટે આ સોનું કસ્ટમ્સ એક્ટ, 1962ની જોગવાઈઓ હેઠળ જપ્ત કર્યું છે. હાલમાં કસ્ટમ્સ અને DRI દ્વારા સોનાની દાણચોરી પાછળના મૂળ સ્ત્રોત, આ સોનું અમદાવાદમાં કોને પહોંચાડવાનું હતું, અને શું આ મહિલા મુસાફર કોઈ આંતરરાષ્ટ્રીય સોના દાણચોરી કરતી મોટી સિન્ડિકેટનો હિસ્સો છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો