અમદાવાદના વેપારી સાથે દહેગામમાં અચલ ઇન્ફ્રાના ભાગીદારોએ કરી છેતરપિંડી, 12 વર્ષ બાદ પણ વિલાનો કબ્જો ન આપ્યો
અમદાવાદ શહેરના બોપાલ વિસ્તારમાં રહેતા અને રેસ્ટોરન્ટનો ધંધો કરતા તન્મય શેઠ નામનાં વેપારી સાથ

અમદાવાદ શહેરના બોપાલ વિસ્તારમાં રહેતા અને રેસ્ટોરન્ટનો ધંધો કરતા તન્મય શેઠ નામનાં વેપારી સાથે દહેગામમાં અચલ ઇન્ફ્રાના ભાગીદારોએ છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે. વેપારી તન્મય શેઠે આરોપીઓ પાસેથી ખરીદેલા વિલાની પૂરી રકમ ચૂકવી દીધી હોવા છતાં આરોપીઓએ 12 વર્ષ બાદ પણ વિલાનો કબ્જો આપ્યો નથી. સમગ્ર મામલો કોર્ટમાં પહોંચતા કોર્ટે આરોપી બિલ્ડરો વિરુદ્ધ સમન્સ ઈશ્યુ કર્યા છે.
વર્ષોની હેરાનગતિ અને ઝઘડાઓ બાદ આખરે 2023માં વિલાનો દસ્તાવેજ કરી આપ્યો, છતાં પ્રવેશબંધી કરી
સાઉથ બોપલ વિસ્તારમાં રહેતા વેપારી તન્મય શેઠે અચલ ઈન્ફ્રાસ્ટ્રકચર ભાગીદારી પેઢીના ભાગીદારો પાસેથી લગભગ બાર વર્ષ પહેલાં અક્ષરધામ પ્રિમીયમ વિલામાં 60 નંબરનો બંગલો ખરીદ્યો હતો, જેનું બિલ્ડરોએ તેમને બાનાખત કરી આપ્યું હતું, પરંતુ દસ્તાવેજ કરવાનો બાકી રખાયો હતો.
બાદમાં બિલ્ડરો તરફથી અંદરોઅંદરના વિવાદને લઈ તેમને યેનકેન પ્રકારે 60 નંબરનો બંગલો ખાલી કરાવી કામચલાઉ ધોરણે 9 નંબરના બંગલામાં તન્મય શેઠને ખસેડયા હતા. સૌથી નોંધનીય વાત એ હતી કે, તન્મય શેઠે આ મિલ્કતના તમામ નાણાં પૈસા ચૂકવી દીધા છતાં બિલ્ડરોએ દસ્તાવેજ કરી આપ્યો ન હતો. વર્ષોની હેરાનગતિ અને ઝઘડાઓ બાદ આખરે 2023માં દસ્તાવેજ કરી આપ્યો હતો.
તન્મય શેઠ બંગલાના કાયદેસર માલિક હોવા છતાં હવે બિલ્ડર ભાગીદારોએ બંગલામાં જતા પ્રવેશ કરવા દેતા નથી અને માણસો બેસાડી રોક લગાવી દીધી છે. એટલું જ નહી, બિલ્ડરના માણસોએ તન્મય શેઠની જ માલિકીની મિલ્કતમાં ન આવવા અને જાનથી મારી નાંખવા સુધીની ધમકીઓ આપી હતી.
કોર્ટે અચલ ઇન્ફ્રાના બિલ્ડરો સહિત 9 લોકો સામે સમન્સ જાહેર કર્યા
આખરે ભોગ બનનાર તન્મય શેઠ આ બિલ્ડરો સામે કોર્ટમાં ગયા હતા. આ કેસની સુનાવણીમાં દહેગામ કોર્ટના પ્રિન્સીપાલ સિનિયર સિવિલ જજે અચલ ઇન્ફ્રાસ્ટ્રકચર ભાગીદારી પેઢીના ભાગીદારો સંજય વલ્લભભાઇ મુજપરા, હિતેન્દ્ર અરવિંદભાઈ ઠાકર, સંજય ત્રિભોવનભાઈ ગોદાણી સહિત 9 વિરુદ્ધ સમન્સ ઈશ્યુ કર્યા છે અને આ કેસની વધુ સુનાવણી 12મી નવેમ્બરના રોજ રાખી છે.








