સુરતના ગોડાદરામાં કોન્સ્ટેબલ સાથે મારામારીની ઘટના, હોર્ન વગાડવા મુદ્દે થયો હતો વિવાદ

સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ સાથે મારામારી થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પોલીસ કોન્સ્ટેબલ આઝાદ સિંહ રાજપૂત પોતાના પરિવાર સાથે મંદિરે જઈ રહ્યા હતા, તે દરમિયાન બાઇકચાલક સાથે હોર્ન વગાડવા મુદ્દે વિવાદ થતાં મારામારી થઈ હોવાનો આરોપ છે. આ મામલે કોન્સ્ટેબલે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે."
હોર્ન વગાડવા મુદ્દે સર્જાયો વિવાદ
મળતી માહિતી મુજબ, પોલીસ કોન્સ્ટેબલ પરિવાર સાથે રિક્ષામાં જઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળથી આવતા બાઇકચાલક દ્વારા વારંવાર હોર્ન વગાડવામાં આવતાં વિવાદ સર્જાયો હતો. ત્યારબાદ કેટલાક શખ્સો સાથે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન આરોપીઓએ, 'પોલીસવાળા છો તો શું થયું? તને જોઈ લઈશ' કહીને કોન્સ્ટેબલને આગળ બોલાવ્યા, ત્યારબાદ તેમના પર અચાનક હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ સામે આવી છે.
આ ઘટનાને પગલે પોલીસ કર્મચારીઓની સુરક્ષા અને જાહેર સ્થળોએ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે સવાલો ઊભા થયા છે. કાયદાના રક્ષક સાથે જ મારામારીની ઘટના બનતાં મામલો ચર્ચામાં આવ્યો છે.






