જંબુસરમાં ખુલ્લી ગટરમાં બે બાળકો ખાબક્યા, ઓક્સિજન પર રખાયા; નગરપાલિકાની બેદરકારી સામે સવાલો

જંબુસર એસટી ડેપો વિસ્તારમાં ખુલ્લી ગટરમાં બે બાળકો પડી જવાની ઘટના સામે આવી છે. બંને બાળકોની તબિયત લથડતાં તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. બાળકોને ઓક્સિજન પર રાખીને સારવાર આપવામાં આવી રહી હોવાની માહિતી સામે આવી છે. આ ઘટનાને પગલે નગરપાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
તંત્રની ઘોર બેદરકારી સામે આવી
મળતી માહિતી મુજબ, જમાદાર મોબાઇલની સામે આવેલી ગલીમાં આ ઘટના બની હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અગાઉ બંધ રહેલી ગટરને ખુલ્લી કરી દેવામાં આવી હતી. જેના કારણે આ જોખમી સ્થિતિ સર્જાઈ છે. રહેણાક વિસ્તારમાં ગટર ખુલ્લી રાખવામાં આવતાં રાહદારીઓ અને ખાસ કરીને બાળકોની સુરક્ષા જોખમમાં મુકાઈ છે. જો ખુલ્લી ગટરને કારણે બાળકો સાથે કોઈ ગંભીર દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે, તેવો સવાલ સ્થાનિકો ઉઠાવી રહ્યા છે.
આ ઘટના બાદ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માગ ઊઠી છે. નગરપાલિકા દ્વારા આ પ્રકારની ખુલ્લી ગટરને તાત્કાલિક બંધ કરવામાં આવશે કે કેમ અને આવી બેદરકારી માટે જવાબદારો સામે પગલાં લેવાશે કે નહીં, તે જોવું રહ્યું.






