મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરામાં શુદ્ધ ઘીના નામે પામ ઓઇલની ભેળસેળ કરતી ફેક્ટરીનો પર્દાફાશ, 10 હજાર કિલોથી વધુ શંકાસ્પદ જથ્થો જપ્ત

વડોદરામાં શુદ્ધ ઘીના નામે પામ ઓઇલની ભેળસેળ કરતી ફેક્ટરીનો પર્દાફાશ, 10 હજાર કિલોથી વધુ શંકાસ્પદ જથ્થો જપ્ત
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

વડોદરા જિલ્લાના પોર-રમણ ગામડી GIDCમાં આવેલી 'ચાલીસા ફૂડ્સ' ફેક્ટરીમાંથી 10 હજાર કિલોથી વધુ શંકાસ્પદ અને નકલી ઘીનો જથ્થો મળી આવતાં સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. પામ ઓઇલના ટેન્કરની આડમાં ઘી તૈયાર કરીને અલગ-અલગ બ્રાન્ડના નામે તેનું પેકિંગ કરવામાં આવતું હતું. આ મામલે ફૂડ સેફ્ટી વિભાગ અને પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે.

મોટા પ્રમાણમાં શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

મળતી માહિતી મુજબ, અમદાવાદમાંથી અગાઉ પકડાયેલા શંકાસ્પદ ઘીના જથ્થાના તાર વડોદરાની આ ફેક્ટરી સાથે જોડાતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને તેમની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતાં મામલો ચર્ચામાં આવ્યો હતો. ફેક્ટરીમાં મોટા પ્રમાણમાં શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવતાં સંબંધિત વિભાગોને જાણ કરવામાં આવી હતી.

અગાઉ પણ ઘીનાં સેમ્પલ સબ-સ્ટાન્ડર્ડ આવ્યા હતા 

આ મામલે સૌથી ગંભીર બાબત એ છે કે અગાઉ પણ ઘીનાં સેમ્પલ સબ-સ્ટાન્ડર્ડ આવ્યાં હોવા છતાં સ્થાનિક તંત્ર અને ફૂડ સેફ્ટી વિભાગે સમયસર કડક કાર્યવાહી કરી હતી કે નહીં, તે અંગે સવાલો ઊઠી રહ્યા છે. યુવરાજસિંહ અને તેમની ટીમની કાર્યવાહી બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તથા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. હાલ શંકાસ્પદ ઘીના જથ્થા અને તેની બનાવટ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસના અંતે ઘીની ગુણવત્તા, ઉત્પાદન પ્રક્રિયા અને તેમાં સંડોવાયેલા લોકો અંગે વધુ વિગતો સામે આવી શકે છે.

આ સમાચાર શેર કરો