Video: ગિરનાર અંબાજી મંદિરમાં મહા અષ્ટમીનો ભવ્ય યજ્ઞ, ધારાસભ્ય સહિત હજારો ભાવિકો ઉમટ્યા

રાજ્યના સૌથી ઊંચા ગિરનાર પર્વત પર બિરાજમાન મા અંબે શક્તિપીઠ ખાતે નવરાત્રીની પવિત્ર મહા અષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આસો નવરાત્રી અંતર્ગત વહેલી સવારે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે વિશેષ યજ્ઞનું આયોજન કરાયું હતું. શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ અષ્ટમીના દિવસનું અનેરું મહત્વ હોવાથી આ યજ્ઞનું વિશેષ ધાર્મિક મહત્વ રહ્યું છે. હાલ સરકાર હસ્તક વહીવટ ધરાવતી આ શક્તિપીઠ પર તંત્ર દ્વારા નવરાત્રી દરમિયાન વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો યોજાયા હતા. આ પાવન પ્રસંગે જૂનાગઢના ધારાસભ્ય અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગિરનાર પર્વત પર માના આશીર્વાદ મેળવવા અને યજ્ઞના દર્શન કરવા પહોંચ્યા હતા, જ્યાં ભક્તોએ મા અંબે હાજરાહજૂર હોવાની દિવ્ય અનુભૂતિ કરી હતી.




