અમદાવાદ : પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાના નામે 250થી વધુ લોકો સાથે ઠગાઈ કરનાર આરોપીની ધરપકડ
Ahmedabad News : પ્રધાનમંત્રી આવાસ યોજનાની સ્કીમોમાં મકાન આપવાની લાલચ આપી 250 થી વધુ લોકો સાથે ઠગ

Ahmedabad News : પ્રધાનમંત્રી આવાસ યોજનાની સ્કીમોમાં મકાન આપવાની લાલચ આપી 250 થી વધુ લોકો સાથે ઠગાઈ આચરનાર આરોપી વિરમસિંહ રાઠોડની ઝોન-1 એલસીબીએ ધરપકડ કરી છે. આરોપીએ પોતે સચિવાલયમાં નોકરી કરતો હોવાનું જણાવી ગરીબ લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો અપાવાની લાલચ આપી હતી.
3 વર્ષમાં 3 કરોડથી વધુની રકમ લોકો પાસેથી પડાવી
આરોપી વિરમસિંહે વસ્ત્રાપુર, નારણપુરા અને સોલા વિસ્તારના લોકોને આ રીતે છેતર્યા હતા. આ મામલે કુલ 3 ફરિયાદો દાખલ કરવામાં આવી છે. આરોપીએ કુલ 3 કરોડથી વધુ રકમ લોકો પાસેથી આ રીતે મેળવી છે. ઝડપાયેલા આરોપીએ બીએ સુધીનો અભ્યાસ કર્યો છે અને તે જીપીએસસીની તૈયારી કરતો હતો જે દરમિયાન તેને આ રીતે લોકો સાથે ઠગાઈ કરવાનો વિચાર આવ્યો અને છેલ્લાં 3 વર્ષમાં અનેક લોકો પાસેથી પૈસા પડાવી લીધા.
સાયન્સ સિટીમાં AUDAના મકાન બતાવી લોકોને છેતર્યાં
આરોપી પોતાની નીચે એજન્ટો પણ રાખતો જે તેઓને ગ્રાહક લાવી આપતા હતા. આરોપીએ ભોગ બનનારાઓને સાયન્સ સિટી જેવા પોશ વિસ્તારમાં બનતા AUDAનાં મકાનો બતાવ્યા હતા અને રૂપિયા મેળવ્યા હતા. આ મામલે ઝોન-1 એલસીબીની ટીમે આરોપીની ધરપકડ બાદ રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી છે.






