મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ચોટીલામાં ACBની મોટી કાર્યવાહી, PGVCLનો હેલ્પર 60 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

ચોટીલામાં ACBની મોટી કાર્યવાહી, PGVCLનો હેલ્પર 60 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ચોટીલા PGVCL કચેરીમાં ફરજ બજાવતો હેલ્પર લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ના હાથે રંગે હાથ ઝડપાઈ ગયો છે. આ કાર્યવાહીથી સમગ્ર પંથકની સરકારી કચેરીઓમાં ફફડાટ ફેલાયો છે.

ધમકી આપી માંગી હતી લાંચ

ચોટીલા PGVCL કચેરીમાં હેલ્પર તરીકે ફરજ બજાવતા બિપીનભાઈ પારેજીયા નામના કર્મચારીએ એક જાગૃત નાગરિક પાસે લાંચની માંગણી કરી હતી. ફરિયાદીના વીજ મીટર બાબતે કાર્યવાહી કરીને મીટર ઉતારી લેવામાં આવશે અને મોટો દંડ ફટકારવામાં આવશે તેવી ધમકી આપીને તેણે લાંચ માંગી હતી. તપાસ કરવામાં આવતા ફરિયાદીને વીજ કનેક્શનમાં કોઈ ખામી કાઢીને તેને ડરાવવામાં આવ્યો હતો. જો દંડથી બચવું હોય તો પૈસા આપવા પડશે તેમ કહીને આરોપી હેલ્પરે શરૂઆતમાં 70 હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી. ફરિયાદીએ આ અંગે રકઝક કરતા અંતે 60 હજાર રૂપિયામાં સોદો નક્કી થયો હતો.

હેલ્પર રંગે હાથ પકડાયો

આયોજન મુજબ, ફરિયાદી 60 હજાર રૂપિયાની રોકડ રકમ લઈને PGVCL કચેરી ખાતે પહોંચ્યો હતો. જ્યારે આરોપી બિપીનભાઈ પારેજીયાએ લાંચની રકમ સ્વીકારી તે જ સમયે અગાઉથી વોચમાં રહેલી ACBની ટીમે તેને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. ACBએ સ્થળ પરથી લાંચની તમામ રકમ કબજે કરી હતી અને પંચનામું કરીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

હેલ્પર હોવા છતાં મોટા અધિકારી હોવાનો દેખાડો કરતો

ACBની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી હેલ્પર હોવા છતાં મોટા અધિકારીની જેમ વર્તન કરીને લોકો પાસેથી દંડના નામે પૈસા પડાવતો હતો. મીટર ઉતારી દેવાની અને મોટી રકમનો દંડ ફટકારવાની ધમકી આપીને તે સામાન્ય લોકોને ડરાવતો હતો. આ પ્રકારે તેણે અગાઉ પણ અનેક લોકો પાસેથી પૈસા લીધા હોવાની શંકા ACB વ્યક્ત કરી રહી છે

છેલ્લા કેટલાક સમયથી સુરેન્દ્રનગર જિલ્લામાં ACB દ્વારા ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમ છતાં લાંચ લેવાના કિસ્સાઓ અટકી રહ્યા નથી. ચોટીલા જેવા નાના શહેરમાં પણ PGVCL જેવી જાહેર સેવા સાથે જોડાયેલી કચેરીમાં આવી ઘટના બનતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ACBએ નાગરિકોને અપીલ કરી છે કે, જો કોઈપણ સરકારી કર્મચારી કે અધિકારી કામના બદલામાં લાંચ માંગે તો તુરંત જ ACBનો સંપર્ક કરવો. ફરિયાદીની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

આ સમાચાર શેર કરો