Video: સુરેન્દ્રનગરના ચોટીલામાં પીજીવીસીએલનો હેલ્પર સાઠ હજારની લાંચ લેતા ઝડપાયો

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે આવેલી પીજીવીસીએલ કચેરીમાં ફરજ બજાવતો હેલ્પર બિપીનભાઈ પારેજીયા ૬૦ હજાર રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથ ઝડપાઈ ગયો છે. મીટર ઉતારીને મોટો દંડ ન ભરવા માટે આરોપીએ ફરિયાદી પાસે શરૂઆતમાં ૭૦ હજાર રૂપિયાની લાંચ માંગી હતી, પરંતુ રકઝક બાદ આ સોદો ૬૦ હજારમાં નક્કી થયો હતો. જાગૃત નાગરિકની ફરિયાદના આધારે રાજકોટ ગ્રામ્ય એસીબીની ટીમે સફળ છટકું ગોઠવીને આરોપીને રોકડ રકમ સ્વીકારતી વખતે જ ઝડપી લીધો હતો. એસીબી દ્વારા લાંચની રકમ કબજે કરીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઓપરેશનના કારણે ભ્રષ્ટ કર્મચારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.








