મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નકલી ED મામલે AAP-ભાજપ સામ સામે, ઇસુદાન-ઇટાલિયાએ જાહેરમાં ડિબેટની આપી ચેલેન્જ

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ થોડા સમય પહેલા કચ્છમાંથી પકડાયેલી નકલી ED ટીમનો

નકલી ED મામલે AAP-ભાજપ સામ સામે, ઇસુદાન-ઇટાલિયાએ જાહેરમાં ડિબેટની આપી ચેલેન્જ

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ થોડા સમય પહેલા કચ્છમાંથી પકડાયેલી નકલી ED ટીમનો એક સભ્ય આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો હોવાનો આરોપ લગાવ્યો છે. હર્ષ સંઘવીના આરોપ પછી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી અને AAPના નેતા ગોપાલ ઇટાલિયાએ હર્ષ સંઘવીને પડકાર ફેંક્યો છે અને પુરાવા સાથે જાહેરમાં ડિબેટ કરવાની ચેલેન્જ આપી છે. હવે જોવાનું રહ્યું છે હર્ષ સંઘવી AAPની આ ચેલેન્જ સ્વીકારે છે કે પછી ટ્વિટ કરીને છટકી જાય છે.

ઇસુદાન ગઢવીએ પણ આપી ચેલેન્જ

આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રમુખ ઇસુદાન ગઢવીએ પણ ગૃહમંત્રી હર્ષ સંઘવીના ટ્વિટનો જવાબ આપ્યો છે. જે વ્યક્તિની ધરપકડ થઇ છે તેના ભાજપના સાંસદ, ભાજપના સંગઠનના નેતા સહિત IPS અધિકારી સહિત અનેક પોલીસ અધિકારીઓ સાથે પણ તસવીરો છે. બળાત્કારીઓ, નકલી ટોલનાકા ચલાવનારા અને પોન્ઝી સ્કેમ ચલાવનારા લોકો ભાજપ સાથે જોડાયેલા હોય છે. ગૃહમંત્રીએ તેનો ખુલાસો કરવો જોઇએ. ગૃહમંત્રી ટ્વિટ કરીને આમ આદમી પાર્ટીને બદનામ કરીને ભાગી શકે નહીં.

ગૃહમંત્રી ઠોઠ છે, આઠ પાસ છે પણ જનતા ભણેલી છે- ગોપાલ ઇટાલિયા

AAPના ગોપાલ ઇટાલિયાએ ગૃહમંત્રી હર્ષ સંઘવીના નકલી ED અધિકારીના આમ આદમી પાર્ટીના સબંધોને લઇને ટ્વિટ કર્યું હતું. હવે ગોપાલ ઇટાલિયાએ પણ હર્ષ સંઘવીને જવાબ આપ્યો છે. ગોપાલ ઇટાલિયાએ હર્ષ સંઘવીને જાહેરમાં ડિબેટ કરવાની ચેલેન્જ પણ આપી છે.

ગોપાલ ઇટાલિયાએ કહ્યું, "ગૃહમંત્રી ઠોઠ છે, આઠ પાસ છે પણ જનતા ભણેલી છે. ભાજપની ટોળકીએ ગુજરાતની જનતાની આંખમાં ધૂળ નાખવાનું કામ ચાલુ કર્યુ છે. કચ્છમાં કોઇ નકલી EDનો માણસ પકડાયો અને એ માણસ પહેલા AAPમાં હતો અને હવે તેને કબુલાત કરી કે જે પૈસા મળ્યા તે ભાજપ, સમાજવાદી પાર્ટી અને આણ આદમી પાર્ટી ત્રણેયને આપ્યા છે. 10 દિવસ પહેલા નકલી EDની ટીમ પર FIR થઇ, 10 દિવસ પહેલા પોલીસે તપાસ ચાલુ કરી. આ તમામ ઘટના 10 દિવસ પહેલા બની. આ 10 દિવસ પછી આઠ પાસ ઠોઠ ગૃહમંત્રીને આવી ખબર પડી કે આ માણસે સમાજવાદી પાર્ટી, ભાજપ અને AAPને પૈસા આપ્યા છે. તમે અભણ છો, દુનિયા થોડી અભણ છે. તમારામાં હિમ્મત હોય, તમારી વાત ચાસી હોય તો આવી જાઓ ડિબેટમાં. ભાગો છો કેમ ભગોડાની જેમ. રેલવે સ્ટેશનના ટપોરીની જેમ ટ્વિટ કરીને ભાગી જાઓ છો શરમ જેવું છે કે નહીં. ગૃહમંત્રીને છાજે તેવી વાત કરો, હોદ્દાને શોભા આપે તેવી વાત કરો. ટપોરીની જેમ ટ્વિટ કરવું તે ફેક આઇડીવાળાનું કામ છે. તમારૂ તો વાંધો નહીં પણ હોદ્દાની તો વેલ્યૂ કરો. આ શું માડ્યું છે ગુજરાતની જનતાની આંખમાં ધૂળ નાખવાનો ધંધો.'

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શું ટ્વીટ કર્યું હતું

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરતા કહ્યુ હતું કે, પકડાયેલ નકલી ઈડી ટીમમાં આમ આદમી પાર્ટીના એક નેતાઓ સમાવેશ થાય છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષના ટ્વીટ મુજબ આ નકલી ઈડી ટીમનો કેપ્ટન અબ્દુલસતાર ઈશાક માંજોઠી હતો. તેમને x પ્લેટફોર્મ પર લખ્યું કે, અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીનું વધુ એક કારનામું સામે આવ્યું છે. ગુજરાતમાં પાર્ટીના એક નેતાએ નકલી ED ટીમ બનાવી અને તેનો કેપ્ટન બની લોકોને લૂંટ્યા! કચ્છમાં પકડાયેલ નકલી ED ટીમ કમાન્ડર ગુજરાતનો આમ આદમી પાર્ટીનો નેતા હોવાનું બહાર આવ્યું છે. આ છે કેજરીવાલના શિષ્યોના કુકર્મોનો ખરો પુરાવો!

શું છે ઘટના?

બોલિવુડ મૂવી સ્પેશિયલ 26ની માફક ગાંધીધામમાં સોની વેપારીને દબાવીને તેના પાસેથી નાણાં અને દાગીના પડાવી લેવા માટે નકલી ઈડીના અધિકારીઓ દ્વારા ખોટો દરોડો પાડવામાં આવ્યો હતો. અમદાવાદ, ભુજ અને ગાંધીધામના 13 લોકોની નકલી ED ટીમમાં સામેલ અમદાવાદની એકમાત્ર મહિલાએ સોનાના દાગીના ચોરી કરી લીધા હતાં. સોની વેપારીને તેની જાણ થઈ જતાં સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.

આ પણ વાંચો: ‘નકલી ED ટીમનો કમાન્ડર ગુજરાત આમ આદમી પાર્ટીનો નેતા’ - ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ટ્વીટ

પૂર્વ કચ્છ પોલીસે નકલી ઈડીના અધિકારી બનેલા 13 પૈકીના 12 લોકોને ઝડપી 22 લાખના દાગીના અને ગુનામાં વપરાયેલી 3 કાર સહિત 45 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. 15 દિવસ પહેલા ચાની હોટલ પર ઈડીના અધિકારી બની ખોટી રેડ પાડવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો, પરંતુ આયોજન મુજબ ન થતાં અને અમદાવાદથી આવેલા સાગરિતો દ્વારા દગો કરવામાં આવતા પ્લાન ફેલ થયો હતો.

આ સમાચાર શેર કરો