ગેરકાયદે અમેરિકા જવા નીકળેલા પ્રાંતિજના મોયદ ગામના યુવકનું નિકારાગુઆમાં મોત, પત્ની અને પુત્ર રઝળી પડ્યા
અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી વધુ એક ગુજરાતીને ભારે પડી છે.

અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી વધુ એક ગુજરાતીને ભારે પડી છે. સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામના યુવકનું મોત થયું છે. નિકારાગુઆથી અમેરિકા જવા માટે યુવકે પોતાના પરિવાર સાથે એજન્ટ મારફતે ગોઠવણ કરી હતી. આ દરમિયાન યુવક બીમાર થતા તેને નિકારાગુઆની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન મોત થયું છે.
ગેરકાયદેસર અમેરિકા ઘૂસણખોરી કરતા વધુ એક ગુજરાતીનું મોત
અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરવાનું ચલણ ગુજરાતીઓમાં ઓછું થતું નથી. ટ્રમ્પની કાર્યવાહી બાદ પણ અનેક લોકો જીવના જોખમે ગેરકાયદેસર અમેરિકા જવાનો પ્લાન બનાવે છે અને અંતે તેમને મોત પણ મળે છે. આવું જ કઇંક સાબરકાંઠાના પ્રાંતિજના મોયદ ગામના એક વ્યક્તિ સાથે બન્યું છે. પ્રાંતિજના મોયદનો એક યુવક પત્ની અને પુત્ર સાથે ગેરકાયદેસર અમેરિકા જવા માટે નીકળ્યો હતો.
નિકારાગુઆથી અમેરિકા પહોંચવા માટે તેને એજન્ટ મારફતે ગોઠવણ કરી હતી. દોઢ માસની સફરમાં યુવકની તબિયત લથડતા નિકારાગુઆની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે. ડાયાબિટિસની દવાઓ યુવકને ના મળતા તે કોમામાં જતો રહ્યો હતો. એક મહિના અગાઉ યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. યુવકની પત્ની અને પુત્ર નિકારાગુઆમાં જ અટવાયા હોવાની માહિતી છે.
ડંકી રૂટનો ઉપયોગ કરી અનેક લોકો જાય છે અમેરિકા?
સમૃદ્ધ દેશોમાં ગેરકાયદે ઘૂસ મારવા લોકો ટ્રાવેલ એજન્ટની મદદ લે છે; ઘર, સંપત્તિ, જમીન વેચીને લાખો રૂપિયા ચૂકવે છે. એજન્ટ રેસિડન્સી પરમિટ અને ડ્રાઈવિંગ લાયસન્સ સહિતના બનાવટી દસ્તાવેજો તૈયાર કરાવી આપે છે. દરિયાઈ જહાજોમાં અથવા પ્લેનમાં બેસાડીને લોકોને ગ્વાટેમાલા અને નિકારાગુઆ જેવા મધ્ય અમેરિકી દેશોમાં પહોંચાડવામાં આવે છે. ત્યાંથી પછી તેમને સરહદ પાર કરાવનારા એજન્ટોને સોંપી દેવામાં આવે છે. એવા એજન્ટો લોકોને મેક્સિકો પાર કરાવીને અમેરિકન બોર્ડર પર છોડી દે છે. પછી લોકોએ પોતાના જોખમે સરહદ પાર કરીને અમેરિકામાં ઘૂસવાનું હોય છે. પકડાયા તો ગોળી ખાઈને મરવું પણ પડે અથવા તો પછી જેલમાં સબડવું પડે. લાંબે ગાળે ભારત પરત..!
ટ્રમ્પનું આકરૂં વલણ
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગેરકાયદે લોકોને દેશનિકાલ કરવા તત્પર જણાતા છેલ્લા થોડા મહિનાથી ભારતીયોનો ‘ડંકી રુટ’ પ્રત્યેનો મોહ ઘટ્યો તો છે, પણ સાવ શૂન્ય નથી થયો. આ પ્રવૃત્તિ હજુ પણ સંપૂર્ણપણે બંધ થઈ નથી. લોકો હજુ પણ એજન્ટોને પકડીને પૂછપરછ કરતા રહે છે.








