મહેસાણાથી વિદેશ જતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો, US ગયેલો યુવક 2 વર્ષથી પરત નથી ફર્યો
મહેસાણામાં રહેતા લોકોને અમેરિકા જવા માટેનું

મહેસાણામાં રહેતા લોકોને અમેરિકા જવા માટેનું ઘેલું એટલી હદે છે કે, લોકો પોતાના જીવના જોખમે લાખ્ખો રૂપિયા ખર્ચીને પણ જાય છે. આવો જ એક કિસ્સો મહેસાણા જિલ્લાના હેડુવા ગામનો સામે આવ્યો છે. હેડુવા ગામમાં રહેતા ખેડૂત પુત્રને અમેરિકા જવાની ઘેલછા એટલી હદે હતી કે, સુધીર પટેલ નામના યુવાને પરિવાર પાસે જમીન વેચાવીને અમેરિકા જવા નીકળ્યો હતો.
બે વર્ષ અગાઉ કબૂતરબાજ એજન્ટના સંપર્કમાં આવેલા સુધીર પટેલે રૂપિયા 75 લાખમાં અમેરિકા જવા ડિલ કરી હતી. રૂપિયા 75 લાખમાં અમેરિકા જવાનું નક્કી બાદ એજન્ટે રૂપિયા 10 લાખ યુવાન પાસેથી પડાવ્યા હતા. પરંતુ 9 વિદેશ વાંચ્છુકો સાથે અમેરિકા જવા નીકળેલો યુવાન સુધીર પટેલનો આજદીન સુધી કોઈ પત્તો લાગ્યો નથી.
આજથી ઠીક બે વર્ષ અગાઉ અમેરિકા જવા નીકળેલો સુધીર પટેલ ગુમ થતા પરિવારે કબૂતરબાજ એજન્ટો સામે ગુન્હો નોંધાવ્યો હતો. પણ સુધીર પટેલનો હજુ સુધી પત્તો લાગ્યો નથી. આ સ્થિતિમાં હવે અમેરિકાથી ડિપોર્ટ થઈ રહેલા ભારતીયોમાં પોતાનો પુત્ર સુધીર પરત આવશેની આશા સાથે પરિવાર કાગ ડોળે રાહ જોઈ રહ્યો છે. આમ,મહેસાણાના હેડુવા ગામના સુધીર પટેલ નામના યુવાનનો અમેરિકા જવાનો કિસ્સો બે નંબરમાં જીવ જોખમમાં મૂકી અમેરિકા જવા ઇચ્છતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો બની ગયો છે.






