ગુજરાતમાં માવઠું : અમદાવાદના વાતવરણમાં એકાએક પલટો, ધૂળની ડમરી ઉડી
હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના પગલે રાજ્યના

હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના પગલે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં માવઠાની આગાહી કરી હતી. ત્યારે રવિવારે ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો. અમરેલી, મોરબી, દ્વારકા, પાટણ અને કચ્છ સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. બીજી તરફ અમદાવાદમાં પણ સાંજે એકાએક વાતવરણમાં પલટો આવ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે પવનની સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી પરિણામે વાહનચાલકોને મુશ્કેલી પડી હતી.
અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારો બોડકદેવ, થલતેજ, મકરબા, ગોતા, ચાંદખેડા, રાણીપ, નરોડા સહિતના વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડી હતી. પરિણામે માર્ગો પર વાહન લઈને નીકળેલા લોકોને મુશ્કેલીઓની સામનો કરવો પડ્યો હતો.
કચ્છમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો હતો. જેમાં પૂર્વ કચ્છના રાપર અને અંજારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તેમજ પશ્ચિમ કચ્છ દેશલપર, સામત્રા, માનકુવા, દેશલપર વાંઢ સહિત વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ધૂળની ડમરીઓ અને પવન ફૂંકાવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
અમરેલીના ધારી ગીર પંથકના ગામડાઓમાં સતત બીજા દિવસે પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. જ્યાં ધારીના દલખાણીયા, પાણીયા, મીઠાપુર, આંબાગાળા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો.
પાટણ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. વારાહી, લખાપુરા, કમાલપુર સહીત ગામોમાં વરસાદ વરસ્યો હતો. ભરઉનાળે વરસાદ પડતા કેરી, મગ, તલ સહિતના ઉનાળુ પાકને નુકસાનની ભીતિ છે. જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે.
ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે આગાહી કરી હતી કે,14મી એપ્રિલના રોજ ઉત્તર ગુજરાતના નર્મદા, છોટાઉદેપુર, અરવલ્લી, સાબરકાંઠા અને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ તથા કચ્છના વિસ્તારમાં માવઠાની આગાહી કરી હતી. જ્યારે 15મી એપ્રિલે સાબરકાંઠા મહીસાગર, અરવલ્લી અને દાહોદમાં છુટો-છવાયો વરસાદ વરસી શકે છે.








