મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: હઠીસિંગની વાડીમાં 'શબ્દસંપદા' કાર્યક્રમ યોજાયો, સાહિત્ય સર્જકોની પ્રશિષ્ટ કૃતિઓ રજૂ થઈ

૨૯ સપ્ટેમ્બર,રવિવારે અમદાવાદની હઠીસિંગની વાડીમાં ઓમ કૉમ્યુનિકેશન દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. 'શ

અમદાવાદ: હઠીસિંગની વાડીમાં 'શબ્દસંપદા' કાર્યક્રમ યોજાયો, સાહિત્ય સર્જકોની પ્રશિષ્ટ કૃતિઓ રજૂ થઈ

૨૯ સપ્ટેમ્બર,રવિવારે અમદાવાદની હઠીસિંગની વાડીમાં ઓમ કૉમ્યુનિકેશન દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. 'શબ્દસંપદા' શીર્ષક હેઠળ જૈન સાહિત્ય સર્જકો અને પ્રશિષ્ટ કૃતિઓ વિશેના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નિશુલ્ક હતો, 'શબ્દસંપદા' કાર્યક્રમ અંતર્ગત જૈન સાહિત્યસર્જક અમૃતકલશ-કૃત જૈનસાહિત્યગ્રંથ 'હમ્મીરપ્રબંધ' વિશે પ્રો. પિંકી પંડયાએ અને જૈન સાહિત્યસર્જક ઉદયભાનુ-કૃત જૈનસાહિત્યગ્રંથ 'વિક્રમચરિત્રરાસ' વિશે પ્રો. દર્શના ધોળકિયાએ આસ્વાદલક્ષી વક્તવ્ય રજૂ કર્યું હતું. આ કાર્યક્રમમાં ખ્યાતનામ સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક 'શ્વેત'એ કર્યું હતું.

રાજા હમ્મીર ચૌહાણના શરણાગત ધર્મ અને શૂરવીરતાને રજૂ કરવામાં આવી

ઈ.સ.1518માં ઓસગચ્છના શ્રી મતિકલસના શિષ્ય અમૃતકલસે રાજસ્થાનના રણથંભોરના રાજા હમ્મીર ચૌહાણના શરણાગત ધર્મ અને શૂરવીરતાને કેન્દ્રમાં રાખીને 'હમ્મીરપ્રબંધ' કૃતિની રચના રજૂ કરવામાં આવી હતી. 13મી સદીમાં હમ્મીરદેવના રાજ્યકાળ દરમિયાન દિલ્હીના બાદશાહ અલાઉદ્દીન ખીલજીના બે સેનાનાયકોએ વિદ્રોહ કરીને હમ્મીરદેવનું શરણું લીધું, ખિલજીએ પોતાના સેના નાયકોને પાછા માંગ્યા પણ હમ્મીરદેવે શરણાગતને સોંપવા ઇનકાર કર્યો હતો. હમ્મીરદેવ અને અલાઉદ્દીન વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું જેમાં હમ્મીરદેવની જીત થઈ હતી, પરંતુ હમ્મીરદેવના પ્રધાનોએ દેશદ્રોહ કરતા અંતિમ યુદ્ધમાં હમ્મીરદેવે કેસરિયા કર્યા અને તેમની રાણીઓએ જૌહર કર્યું હતું. આમ, પોતાના શરણાગત ધર્મને જાળવવા હમીર હઠીએ પોતાના સર્વસ્વનું સમર્પણ કર્યું. કવિએ આ કૃતિમાં શરણાગત ધર્મનો મહિમા કર્યો છે.

'વિક્રમચરિત્ર રાસ 'આ વિષયની સૌથી જૂની રચના

‘વિક્રમચરિત્ર રાસ 'આ વિષયની સૌથી જૂની રચના છે. કવિ ઉદયભાનુ બીજા વાર્તાકાર કવિઓથી જુદા પડે છે, એમની શૈલીની રસિકતા ને પ્રાસાદિકતાને કારણે વિક્રમ રાજાના પુત્રની આ કથામાં વિક્રમસેન અને એની માતાને પરણીને એને છોડી ગયેલા પિતા વિક્રમના નગરમાં જઈને પોતાની ઓળખ વગર ભલભલાને હાર પમાડે છે અને છેવટે રાજાના પુત્ર તરીકે જાહેર થઈને યશનો ભાગીદાર બને છે. કૃતિમાં પાત્રા લેખન, ભાષા, વસ્તુ સંકલના સપ્રમાણ છે.આ બધું ભેગું થઈને કૃતિ 'અખંડ લહેરી ' તરીકેનો અનુભવ કરાવે છે એ અર્થમાં મધ્યકાળની નોંધપાત્ર કૃતિ બને છે.

આ સમાચાર શેર કરો