'પોલીસ કર્મચારીને પોતાનો અહંકાર સંતોષવા કોઇને મારવાનો નથી અધિકાર ', હાઈકોર્ટે મર્યાદાનું ભાન કરાવ્યું
ગુજરાત હાઇકોર્ટે એક સામાન્ય કેસમાં નાગરિકોને ટોર્ચર કરવા સત્તાના દૂરપયોગ બદલ શહેર ક્રાઇમ બ્રાંચ અ

ગુજરાત હાઇકોર્ટે એક સામાન્ય કેસમાં નાગરિકોને ટોર્ચર કરવા સત્તાના દૂરપયોગ બદલ શહેર ક્રાઇમ બ્રાંચ અને ઘાટલોડિયા પીઆઇ વી.ડી.મોરીનો ઉધડો લઇ નાંખ્યો હતો. હાઇકોર્ટે પોલીસ તંત્રના વરિષ્ઠ અધિકારીઓને ઉદ્દેશીને એક મહત્ત્વના નિર્દેશ મારફતે નાગિરકોને બિનજરૂરી ખખડાવી, તેઓને માર મારવામાં ખોટુ વર્ચસ્વ બતાવવાનો પ્રયાસ કરનાર તાબાના અધિકારીઓ પર દેખરેખ રાખવા કડક તાકીદ કરી હતી.
પોલીસ કર્મચારીને પોતાનો અહંકાર સંતોષવા કોઇને મારવાનો અધિકાર નથી
જસ્ટિસ નિર્ઝર એસ.દેસાઇએ પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓને લઇને ટકોર કરી હતી કે, ઉચ્ચ અધિકારીઓ કદાચ વિનમ્ર હશે પરંતુ તેમના તાબાના અધિકારીઓ પર તેમણે નજર રાખવી જોઇએ કે જેઓ શહેરની આસપાસ ફરે છે અને લોકોને બિનજરૂરી ખખડાવી-મારપીટ કરી પોતાનું વર્ચસ્વ બતાવવાનો પ્રયાસ કરે છે. કોઇપણ પોલીસને માત્ર પોતાનો અહંકાર સંતોષવા કોઇપણ નાગરિકને બિનજરૂરી રીતે મારવાનો અધિકાર નથી.
પીઆઇ વી.ડી.મોરીની પણ ભારોભાર ટીકા કરી
અજ્ઞાત સાક્ષીઓને ટાંકીને શહેર ક્રાઇમ બ્રાંચના અધિકારીની તરફેણમાં કેસ બનાવવા બદલ જસ્ટિસ નિર્ઝર એસ. દેસાઇ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના પીઆઇ વી.ડી.મોરીની પણ ભારોભાર ટીકા કરી હતી. હાઇકોર્ટે સાફ શબ્દોમાં પોલીસને સંભળાવ્યું હતું કે, જો પોલીસ એમ માનતી હોય કે, તેઓ કોર્ટ સામે બહુ સ્માર્ટ રીતે રમી શકે છે, તો પછી કોર્ટ તેમને સમજાવશે કે, કોર્ટ સત્તાનો કેવી રીતે ઉપયોગ કરી શકે છે.
હાઇકોર્ટે પોલીસને તેની સત્તાની મર્યાદાનું ભાન કરાવ્યું
જો પોલીસ ખોટુ કરનારાઓને બચાવવા માંગતી હોય અને પ્રયુકિતપૂર્વક વિલંબ કરીને પક્ષ લેવા માંગતી હોય તો અદાલતને તેની સત્તાનો ઉપયોગ આવડે છે. ઘાટલોડિયા પોલીસ મથકમાં અરજદારો વિરૂઘ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કાયદાની કલમો હેઠળ એફઆઇઆર અને તેને આનુષંગિક કાર્યવાહી રદબાતલ ઠરાવતા ગુજરાત હાઇકોર્ટે કેસની સુનાવણી દરમ્યાન હાઇકોર્ટે પોલીસને તેની સત્તાની મર્યાદાનું ગર્ભિત ચીમકી સાથે ભાન કરાવ્યું હતું.








