RAJKOT : મિડીયાને કવરેજ કરતા અટકાવનાર પોલીસ કમિશનરની કચેરીથી 200 મીટર અંતરે દારૂ ભરેલ રિક્ષાએ પલટી મારી
Rajkot News : રાજકોટ શહેર પોલીસ કમિશનરે બ્રજેશ કુમાર ઝાએ પોલીસગીરી બતાવતા લોકશાહીના ચોથા

Rajkot News : રાજકોટ શહેર પોલીસ કમિશનરે બ્રજેશ કુમાર ઝાએ પોલીસગીરી બતાવતા લોકશાહીના ચોથા સ્તંભ મીડિયાને કમિશનરની કચેરીમાં કવરેજ કરતા રોકી દીધું છે. જો કે પોલીસ કમિશનરની કચેરીથી 200 મીટરના અંતરે જ દારૂ ભરેલી રિક્ષાએ પલટી મારતા રાજ્યની કાગળ પરની દારૂબંધી અને રાજકોટ પોલીસ કમિશનરની ‘પોલીસગીરી’ની પોલ ખુલી ગઈ છે.
ફુલછાબ ચોકમાં વિદેશી દારૂ ભરેલ રિક્ષાએ પલટી મારી હતી. રિક્ષા પલટી મારતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને રિક્ષાચાલાકને રિક્ષા સાથે પ્રદ્યુમનનગર પોલીસ મથકે લઈ જવાયો હતો. પોલીસની પોલ ન ખુલી જાય તે માટે રિક્ષામાંથી તાબડતોબ દારૂની બોટલ ખાલી કરવામાં આવી હતી. સમગ્ર ઘટના મામલે પૂછવામાં આવતા પીઆઈ ભાર્ગવ ઝણકાટ એક જ રટણ કરી રહ્યા છે કે હાલ આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
જો કે આ સમગ્ર મામલે પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થઇ રહ્યા છે. અક્સ્માત થાય ત્યારે સ્થળ પર પંચનામુ કરવામાં આવતું હોય છે. પરંતુ અહીંયા તાબડતોબ રિક્ષા અને તેના ચાલકને પ્રદ્યુમનનગર પોલીસ મથકે લઇ જવામાં આવ્યો હતો. પંચનામા વગર રિક્ષા કેમ પોલીસ મથક લઈ જવામાં આવી?
પોલીસગીરી બતાવી કમિશનર કચેરીમાં મીડિયાને પ્રવેશબંધી કરનાર શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ આ અંગે નિર્ભય બનીને જવાબ આપવો જોઈએ અને મીડિયાના સવાલોનો સામનો કરવો જોઈએ.






