મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ધોરાજી હાઈવે પર મુસાફરો ભરેલી બસ પલટી જતા સર્જાયો ગમખ્વાર અકસ્માત

રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક હાઈવે પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત

રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક હાઈવે પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. પનઘટ હોટલ પાસે ધોરાજી તરફ પરત આવી રહેલી એક ખાનગી ટ્રાવેલ્સની બસ અચાનક પલટી મારી જતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે બસે રોડ પર અંદાજે 4 જેટલા ગોથા ખાધા હતા, જેના કારણે બસમાં સવાર મુસાફરોની ચીચિયારીઓથી હાઈવે ગુંજી ઉઠ્યો હતો.

બે બાઈકને અડફેટે લીધા, 3 મુસાફરો બસ નીચે દબાયા

પ્રાથમિક માહિતી અનુસાર, આ ખાનગી બસમાં અંદાજે 15થી 17 જેટલા મુસાફરો સવાર હતા. નિયંત્રણ ગુમાવેલી બસે પલટી ખાતા પૂર્વે માર્ગ પરથી પસાર થઈ રહેલા બે મોટરસાયકલને પણ પોતાની અડફેટે લીધા હતા. અકસ્માતની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે બસ પલટી મારી જતાં 3 જેટલા વ્યક્તિઓ બસના લોખંડી માળખા નીચે આવી ગયા હતા.

યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન

ઘટનાની જાણ થતા જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. પોલીસ કાફલો પણ તુરંત ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે તાત્કાલિક ક્રેન મંગાવવામાં આવી હતી અને યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બસને સીધી કરી દબાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની ભીડ, પરિવારમાં આક્રંદ

ઘટનાસ્થળે 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સની અનેક ગાડીઓ પહોંચી ગઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરાજીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટરોની સ્પેશિયલ ટીમ દ્વારા સારવાર શરૂ કરી દેવામાં આવી છે. અચાનક આવી પડેલી આ આફતને કારણે પરિવારજનોમાં ભારે ચિંતા અને આક્રંદનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ પોલીસ આ અકસ્માત પાછળના કારણોની તપાસ કરી રહી છે.

આ સમાચાર શેર કરો