ગરબા રાસ તો બારે માસ : રવિવારે ભાતીગળ રાસ-ગરબાનો સંપૂર્ણ ઓથેન્ટિક શો
- નવરાત્રીની પૂર્વસંધ્યાએ કલાસ્મૃતિની શહેરીજનો માટે સાંસ્કૃતિક સ્મૃતિ ભેટ - કાઠીયાવાડના પ્રાચી

- નવરાત્રીની પૂર્વસંધ્યાએ કલાસ્મૃતિની શહેરીજનો માટે સાંસ્કૃતિક સ્મૃતિ ભેટ
- કાઠીયાવાડના પ્રાચીન રાસ-ગરબાની હુડો, અઠિંગો, માંડવડી, રાંદલ માનો ગરબો, ટિપ્પણી, ગરબી, રાસ, મિશ્ર રાસ જેવી શૈલીઓની રસાળ પ્રસ્તુતિ
ગુજરાત સમાચાર ગ્રૂપના કલા પ્રકલ્પ કલાસ્મૃતિ દ્વારા નવરાત્રીની પૂર્વ સંધ્યાએ એટલે કે 21 સપ્ટેમ્બરને રવિવારે સાંજે 6.00થી 8.00 દરમિયાન સાયન્સ સિટીની સામે આવેલા સાલ ઓડિટોરિયમમાં ભાતીગળ રાસ-ગરબાના સંપૂર્ણ ઓથેન્ટિક શો 'ગરબા રાસ તો બારે માસ'નું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ભારતના 15થી વધુ રાજ્યો ઉપરાંત લાટવીયા, સ્વિડન, નેધરલેન્ડ, ફીનલેન્ડ, રશિયા, તૂર્કિ, ઓમાન, તાન્ઝાનિયા, નેપાળ અને જાપાનમાં પર્ફોર્મ કરી ચૂકેલા ગરબાકિંગ ચેતન જેઠવા અને તેમના ગ્રૂપ દ્વારા કાઠીયાવાડના પ્રાચીન રાસ-ગરબાની હુડો, અઠિંગો, માંડવડી, પ્રાચીન ગરબો, રાંદલ માનો ગરબો, ટિપ્પણી, ગરબી, રાસ અને મિશ્ર રાસ જેવી વિવિધ શૈલીઓ તેના શુદ્ધ સ્વરૂપમાં પ્રસ્તુત કરવામાં આવશે. TAFF (ટ્રાવેલ, આર્ટ, ફૂડ એન્ડ ફેશન) ગ્રૂપના સક્રિય સહયોગથી યોજાનારા આ કાર્યક્રમમાં પ્રવેશ નિ:શુલ્ક છે અને કાર્યક્રમમાં કલાસ્મૃતિના અધ્યક્ષ લેખક-વક્તા-પ્રવાસી જય વસાવડા પણ ઉપસ્થિત રહેશે.
કાર્યક્રમની વિશેષતાઓ
- રાસ એટલે શું?
- ગરબો એટલે શું?
- નવરાત્રીમાં કાણાવાળો ગરબો શા માટે પ્રગટાવવામાં આવે છે?
- રાસ-રાસડો, ગરબો-ગરબી વગેરે વચ્ચેનો તફાવત શું છે? એ કોણ રમે?
આ ઉપરાંત આપણે નવરાત્રી શા માટે ઉજવીએ છીએ? -થી માંડીને રાસ અને ગરબાની ઉત્પતિથી માંડીને તેના વિકાસની જર્નીની ઓથેન્ટિક ઈન્ફર્મેશન રસાળ શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવશે.






