ગુજરાતની સ્કૂલોમાં અજાણ્યા લોકોના પ્રવેશ પર સંપૂર્ણ રોક, લેખિત મંજૂરી જરૂરી

ગુજરાત સરકારે રાજ્યની સરકારી અને કોર્પોરેશન સંચાલિત સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને ગોપનીયતાને ધ્યાનમાં રાખીને બાહ્ય તથા બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ અંગેની માર્ગદર્શિકા જાહેર કરી છે. હવે સ્કૂલમાં પ્રવેશવા માટે આચાર્ય અથવા સંસ્થાના વડાની પૂર્વ લેખિત મંજૂરી લેવી પડશે. આ ઉપરાંત, મંજૂરી વિના વિદ્યાર્થીઓ, શિક્ષકો કે સ્કૂલની પ્રવૃત્તિઓની ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી અને ઓડિયો રેકોર્ડિંગ પણ કરી શકાશે નહીં. દાહોદમાં બનેલી ઘટના બાદ આ નિર્ણય મહત્ત્વનો માનવામાં આવે છે. શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ, નિયમોનો ભંગ કરીને પ્રવેશ કરનાર અથવા બિનઅધિકૃત રીતે રેકોર્ડિંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
સ્કૂલમાં પ્રવેશ માટે લેખિત મંજૂરી જરૂરી
નવી માર્ગદર્શિકા મુજબ, વાલીઓ અને અધિકૃત શૈક્ષણિક અધિકારીઓ તથા સંકલનકારો સિવાયની બાહ્ય વ્યક્તિઓએ સ્કૂલમાં પ્રવેશતાં પહેલાં આચાર્ય અથવા સંસ્થાના વડાની લેખિત મંજૂરી લેવી પડશે. સ્કૂલમાં પ્રવેશતા દરેક મુલાકાતીએ રજિસ્ટરમાં પોતાની વિગતો પણ નોંધાવવાની રહેશે. મંજૂરી વિના ક્લાસરૂમ, પ્રયોગશાળા, લાઇબ્રેરી, હોસ્ટેલ, મેદાન કે શૌચાલય સહિતના વિસ્તારોમાં પ્રવેશ કરી શકાશે નહીં. શિક્ષણ વિભાગે નિરીક્ષણ અધિકારીઓને પણ આ નિયમોનું પાલન કરાવવા માટે સૂચના આપી છે.
રીલ્સ, શોર્ટ વીડિયો અને લાઇવ સ્ટ્રીમિંગ પર પણ નિયંત્રણ
સ્કૂલમાં આચાર્યની લેખિત મંજૂરી વિના વિદ્યાર્થીઓ, શિક્ષકો અથવા શૈક્ષણિક પ્રવૃત્તિઓની ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરી શકાશે નહીં. આ ઉપરાંત, ઇન્ટરવ્યૂ, ઓડિયો રેકોર્ડિંગ અને લાઇવ સ્ટ્રીમિંગ જેવી પ્રવૃત્તિઓ માટે પણ મંજૂરી લેવી પડશે. સ્કૂલના સમય દરમિયાન મનોરંજન માટે રીલ્સ કે શોર્ટ વીડિયો બનાવવા સામે પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બાળકોની સુરક્ષા, ગોપનીયતા અને હિતને જોખમમાં મૂકતી પ્રવૃત્તિઓ સામે કાયદેસર કાર્યવાહી કરવાની જોગવાઈ છે. પરિપત્રમાં પોક્સો એક્ટ, બાળ સંભાળ અને સંરક્ષણ સંબંધિત કાયદા તથા આઇટી એક્ટ હેઠળ કાર્યવાહીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.









