CTM પાસેથી 25.5 કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે 3 પેડલર્સની ધરપકડ, પોલીસનું મોટું ઓપરેશન

સુરત અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મળેલી બાતમીના આધારે અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર CTM ટોલનાકા નજીક, રામોલ પોલીસ સ્ટેશનની હદમાં આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે કરોડો રૂપિયાના નશીલા પદાર્થોની હેરાફેરી કરી રહેલા ત્રણ શખસોને ઝડપી લીધા હતા.
કરોડોની કિંમતનું MD અને હેરોઇન જપ્ત
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા ત્રણેય આરોપીઓ ગંભીર ગુનાઈત ઇતિહાસ ધરાવે છે. જેમાં નવી દિલ્હીનો 40 વર્ષીય તિફેલ નોખેજ વર્ષ 2014માં અમૃતસરમાં 100 ગ્રામ હેરોઇન અને વર્ષ 2019માં 300 કિલો હેરોઇનની દાણચોરીમાં પાયલોટિંગ કરવાના ગુનાઓમાં સંડોવાયેલો હતો. મેરઠનો 38 વર્ષીય મોહમ્મદ ઇમરાન અલ્વી છેડતી, કબૂતરબાજી અને છેતરપિંડી જેવા ગુનાઓમાં સામેલ છે. જ્યારે નવી દિલ્હીનો 59 વર્ષીય કફીલ અહેમદ અગાઉ જયપુરમાં 18.5 કિલો ચરસ, અમદાવાદમાં 100 ગ્રામ MD અને રાજસ્થાનમાં પેરોલ દરમિયાન 3 કિલો એલ્પાઝોલમ સાથે પકડાયેલો કુખ્યાત આરોપી છે.








