શાળાએ ગયા વિના 10-12 પાસ કરવાની તક: એક્સટર્નલ પરીક્ષાની તારીખો જાહેર, જાણો વિગતો

માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિકમાં ડ્રોપઆઉટ રેટ ઘટાડવા માટે સરકારના આયોજન અંતર્ગત શિક્ષણ બોર્ડને નવેમ્બર-ડિસેમ્બરમાં ખાસ બોર્ડ પરીક્ષા લેવાની મંજૂરી અપાઈ છે. ઓપન સ્કૂલિંગ હેઠળના એક્સટર્નલ વિદ્યાર્થીઓ માટે ધો.10 અને 12 સામાન્ય પ્રવાહની આ ખાસ બોર્ડ પરીક્ષા પ્રથમવાર નવેમ્બર-ડિસેમ્બરમાં લેવામાં આવનાર છે ત્યારે આ પરીક્ષા માટે 34 હજારથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે.
ઓપન સ્કૂલિંગ હેઠળના એક્સટર્નલ વિદ્યાર્થીઓ માટેની ધો.૧૦-૧૨ની આ બોર્ડ પરીક્ષા હવે દર વર્ષે લેવાશે
નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કૂલિંગ દ્વારા દર વર્ષે ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા ત્રણ વખત લેવામાં આવે છે પરંતુ સ્ટેટ ઓપન સ્કૂલિંગમાં ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા મુખ્યત્વે એક જ વાર લેવામાં આવતી હોય છે ત્યારે હવે આ વર્ષે પ્રથમવાર નવેમ્બર-ડિસેમ્બરમાં પણ એક્સટર્નલ વિદ્યાર્થીઓ માટે ખાસ બોર્ડ પરીક્ષા લેવામાં આવનાર છે. સરકારે આ ખાસ બોર્ડ પરીક્ષા માટે મંજૂરી આપતા બોર્ડ દ્વારા એક્સટર્નલ એટલે કે ખાનગી વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપનારા ઉમેદવારો માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. જેમાં બે વાર મુદત વધારવામાં આવી હતી. વધારેલી મુદત પણ પૂરી થઈ ગઈ છે. જેમાં ધો.૧૦માં ૨૯૦૮૦ અને ધો.૧૨માં ૫૦૭૫ વિદ્યાર્થીઓ સહિત ૩૪ હજારથી વધુ ઉમેદવારો નોંધાયા છે.
આ ખાસ બોર્ડ પરીક્ષા જિલ્લા કેન્દ્રોમાં જ લેવામાં આવશે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આ પરીક્ષા માટેનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. જે મુજબ ૩૦ નવેમ્બરથી ૯ ડિસેમ્બર સુધી આ બોર્ડ પરીક્ષા લેવાશે. આ ખાસ બોર્ડ પરીક્ષાથી માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિકમાં ડ્રોપઆઉટ પણ ઘટશે અને આ ઉપરાંત સ્કિલબેઝ કામ કરતા કે ધો.૮-૯ પછી ભણવાનું છોડીને ફેક્ટરીઓ-કારખાનાઓમાં કામ કરતા અનેક ઉમેદવારોને ફાયદો થશે. વધુમાં ડ્રાઈવિંગ લાયસન્સ માટે પણ ધો.૧૦ પાસ હોવું ફરજિયાત છે ત્યારે નવે. ડિસેમ્બરમાં લેવાનારી આ ખાસ બોર્ડ પરીક્ષા આવા ઉમેદવારોને પણ મોટો ફાયદો થશે. ઉપરાંત ધો.૧૦ પાસ કરીને આગળ અભ્યાસ કરવા માંગતા કે ધો.૧૨ પછી કોલેજ અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓને પણ બીજીવારની બોર્ડ પરીક્ષાથી લાભ થશે. હવે ગુજરાત બોર્ડ દ્વારા દર વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં એક્સટર્નલ વિદ્યાર્થીઓ-ઉમેદવારો માટે બોર્ડ પરીક્ષા લેવાશે.






