‘ધંધો કરી શકાય, પણ તીર્થની પવિત્રતા જાળવવી જરૂરી’, સોમનાથમાં નોનવેજ પ્રતિબંધને પડકાર, ગુજરાત સરકારે હાઈકોર્ટમાં પક્ષ રજૂ કર્યો

ગુજરાતના પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર (Somnath Temple) નજીક નોનવેજ ખાદ્યપદાર્થોના વેચાણ અને સંગ્રહ પર મૂકવામાં આવેલા પ્રતિબંધનો મામલો ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) સુધી પહોંચ્યો છે. રાજ્ય સરકારે કોર્ટમાં પ્રતિબંધનો બચાવ કરતાં જણાવ્યું છે કે ધંધો કરવાનો અધિકાર (Right to Business) કોઈ તીર્થસ્થળના ધાર્મિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્ત્વને અવગણવાનો અધિકાર આપી શકતો નથી. બીજી તરફ, પ્રતિબંધને પડકારનારા છ રેસ્ટોરાં સંચાલકોએ આ નિર્ણયને ગેરકાયદેસર ગણાવી પોતાની આજીવિકા અને બંધારણીય અધિકારોનો મુદ્દો ઉઠાવ્યો છે.
સોમનાથ મંદિરની આસપાસ 500 મીટરમાં પ્રતિબંધ
ગીર સોમનાથ જિલ્લામાં આવેલા સોમનાથ મંદિરની આસપાસ 500 મીટરના વિસ્તારમાં નોનવેજ ખાદ્યપદાર્થોના વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂકતી સરકારી સૂચનાને છ રેસ્ટોરાં સંચાલકોએ હાઈકોર્ટમાં પડકારી છે. રાજ્ય સરકારે આશરે બે મહિના પહેલાં આ પ્રતિબંધ લાગુ કર્યો હતો. ઓગસ્ટ 2026માં જાહેર કરાયેલા નોટિફિકેશન (Notification)માં મંદિર અને યાત્રાધામ સાથે જોડાયેલા ચોક્કસ માર્ગો તથા વિસ્તારોને પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યા હતા.
21 ઑક્ટોબર, 2026ના રોજ જસ્ટિસ નિશા એમ. ઠાકોરની બેન્ચ સમક્ષ આ મામલે સુનાવણી થઈ હતી. રાજ્ય સરકાર તરફથી સરકારી વકીલ જી. એચ. વિર્કે પ્રતિબંધના સમર્થનમાં દલીલો રજૂ કરી હતી.
'સોમનાથને માત્ર વેપારી નગર તરીકે ન જોઈ શકાય'
રાજ્ય સરકારે કોર્ટમાં જણાવ્યું હતું કે સોમનાથ માત્ર એક વેપારી નગર નથી, પરંતુ દેશભરના લાખો હિન્દુ શ્રદ્ધાળુઓ માટે અસાધારણ ધાર્મિક, ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્ત્વ ધરાવતું તીર્થસ્થળ છે.
સરકારની દલીલ હતી કે મંદિરના પ્રવેશદ્વાર પાસે અથવા લાખો શ્રદ્ધાળુઓ જે પવિત્ર માર્ગો પરથી પસાર થાય છે ત્યાં નોનવેજ વેચવાનો કોઈને સંપૂર્ણ મૂળભૂત અધિકાર (Absolute Fundamental Right) મળી શકે નહીં.
સરકારે વધુમાં જણાવ્યું કે છેલ્લા નવ મહિનામાં જ 1.16 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સોમનાથ મંદિરની મુલાકાત લીધી છે. ઋષિકેશ, હરિદ્વાર, અમૃતસર અને મથુરા-વૃંદાવન જેવાં અન્ય તીર્થસ્થળોમાં પણ નોનવેજના વેચાણ પર સમાન પ્રકારનાં નિયંત્રણો હોવાનો સરકારે ઉલ્લેખ કર્યો હતો.
રેસ્ટોરાં સંચાલકોએ શું દલીલ કરી?
પ્રતિબંધને પડકારનારા છ રેસ્ટોરાં સંચાલકોનું કહેવું છે કે તેઓ કેટલાંક દાયકાઓથી કાયદેસર રીતે પોતાનો વ્યવસાય ચલાવી રહ્યા છે અને તેમની પાસે માન્ય લાઇસન્સ (Valid Licences) પણ છે. તેમના મતે, જિલ્લા મેજિસ્ટ્રેટે કાયદેસરના વ્યવસાય પર કાયમી પ્રતિબંધ મૂકીને પોતાની સત્તાની મર્યાદા વટાવી છે.
અરજદારોનો દાવો છે કે સરકારી આદેશને કારણે તેમની ખાણીપીણીની દુકાનો બંધ કરવાની ફરજ પડી છે. તેમણે બંધારણના અનુચ્છેદ 19(1)(g)નો હવાલો આપ્યો છે, જે નાગરિકોને કોઈપણ વ્યવસાય, વેપાર અથવા રોજગાર કરવાની સ્વતંત્રતા આપે છે.
તેમની દલીલ છે કે યોગ્ય કારણ આપ્યા વિના કોઈ વ્યક્તિને તેનો કાયદેસરનો વ્યવસાય કે આજીવિકા ચલાવવાથી રોકી શકાય નહીં.
સરકારનો જવાબ: શાકાહારી ભોજન પીરસવાની છૂટ
રાજ્ય સરકારે કોર્ટને જણાવ્યું હતું કે રેસ્ટોરાં સંચાલકોને તેમના હાલના સ્થળે શાકાહારી ભોજન પીરસવાની છૂટ છે. આ ઉપરાંત, સૂચનામાં નિર્ધારિત પ્રતિબંધિત વિસ્તારોની બહાર લાગુ કાયદાઓનું પાલન કરીને નોનવેજનો વ્યવસાય પણ કરી શકાય છે.
હાલમાં આ મામલે બંને પક્ષોની દલીલો વચ્ચે મુખ્ય પ્રશ્ન એ છે કે તીર્થસ્થળની પવિત્રતા જાળવવા માટે મૂકવામાં આવેલો પ્રતિબંધ અને નાગરિકોના વ્યવસાય કરવાના બંધારણીય અધિકાર વચ્ચે કાયદાકીય સંતુલન કેવી રીતે જાળવવું.












