હેવાનીયતની હદ: રાજકોટમાં છેડતીનો વિરોધ કરતા મહિલાને ક્લીનરે ચાલુ બસે નીચે ફેંકી દીધી!
રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડીથી સુરત જવા માટે બસમાં બેઠેલી એક મહિલા માટે આ મુસાફર

રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડીથી સુરત જવા માટે બસમાં બેઠેલી એક મહિલા માટે આ મુસાફરી દુઃસ્વપ્ન સમાન સાબિત થઈ છે. રાત્રિના સમયે મહિલાના પતિએ તેને સુરતની બસમાં બેસાડી હતી, પરંતુ બસ ઉપડ્યાના થોડી જ વારમાં બસના ક્લીનરે પોતાની અસલી હેવાનીયત બતાવવાનું શરૂ કર્યું હતું.
શું છે સમગ્ર મામલો?
પીડિત મહિલાના જણાવ્યા અનુસાર, તે સ્લીપર બસમાં મુસાફરી કરી રહી હતી ત્યારે બસનો ક્લીનર તેની સીટ પાસે આવીને બેસી ગયો હતો અને અડપલાં કરવા લાગ્યો હતો. ક્લીનરે મહિલા પાસે અઘટિત માંગણી કરી હતી, જેનો મહિલાએ સખત વિરોધ કર્યો હતો. મહિલા તાબે ન થતા ઉશ્કેરાયેલા ક્લીનરે હેવાનીયતની તમામ હદો વટાવી દીધી અને છેડતીનો વિરોધ કરી રહેલી મહિલાને ચાલુ બસમાંથી બહાર ફેંકી દીધી હતી.
પીડિત મહિલાની આપવીતી
હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી મહિલાએ ધ્રૂજતા અવાજે પોતાનું નિવેદન આપ્યું હતું કે: "એક શખ્સ મારી સીટમાં બેસીને મને હેરાન કરતો હતો. મેં તેનો વિરોધ કર્યો તો તેણે મને ચાલુ બસે ધક્કો મારી દીધો. ત્યારબાદ શું બન્યું તેની મને કંઈ ખબર નથી. મારી સાથે જે બન્યું તેવું અન્ય કોઈ મહિલા કે યુવતી સાથે ન બનવું જોઈએ. આ નરાધમ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી મારી માંગણી છે."
શું ખાનગી બસોમાં મહિલાઓ હવે સુરક્ષિત નથી?
- રાત્રિ મુસાફરી દરમિયાન મુસાફરોની સુરક્ષા માટે ટ્રાવેલ્સ સંચાલકોની કોઈ જવાબદારી નથી?
- નરાધમ ક્લીનરની હિંમત એટલી વધી ગઈ કે તેણે હત્યાનો પ્રયાસ કરતા પણ ખચકાટ ન અનુભવ્યો?
રાજકોટ પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. મુસાફરોમાં પણ આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે.








