રાજકોટમાં પણ BZ જેવું કૌભાંડ! 8000 લોકો પાસે રોકાણ કરાવી 300 કરોડથી પણ વધુની છેતરપિંડી

રાજકોટ: તાજેતરમાં જ સાબરકાંઠામાંથી કથિત રીતે 6000 હજાર કરોડનું BZ કૌભાંડ સામે આવ્યું છે, જેમાં પોલીસે આરોપીને ઝડપી પાડી તપાસ હાથ ધરી છે. જેમાં રોજેરોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. ત્યારે હવે રાજકોટમાંથી પણ BZ ગ્રુપ જેવું જ કૌભાંડ થયું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
રાજકોટમાં એક કા ડબલની સ્કીમમાં હજારો લોકો છેતરાયા છે. ક્રિપ્ટો કરન્સીમાં 8000 લોકો પાસે રોકાણ કરાવી રૂ.300 કરોડથી વધુની છેતરપિંડીનું કૌભાંડ આચરવાની પોલીસને અરજી કરવામા આવી છે. "બ્લોક ઓરા" નામની કંપનીના સંચાલકો વિરૂદ્ધ રાજકોટના કોઠારીયા વિસ્તારમાં રહેતા સાબુ-પાવડરના વેપારી મોહસીન મુલતાનીએ અરજી કરી છે.
રાજકોટ શહેર પોલીસ કમિશનર, DGP તેમજ ગૃહ મંત્રીને ''બ્લોક ઓરા'' કંપનીના ફિરોઝ મુલતાની-સ્થાપક, નિતીન જગત્યાની-ભાગીદાર, અમિત મુલતાની-સૌરાષ્ટ્ર હેડ, અઝરુદ્દીન મુલતાની-માર્કેટિંગ હેડ, મકસુદ સૈયદ-ગુજરાત હેડ વિરૂદ્ધ અરજી કરવામાં આવી છે.
અરજદારના જણાવ્યા પ્રમાણે, 'મુંબઈની સહારા હોટલમાં તેમની સાથે મિટિંગ કરી વિશ્વાસમાં લીધા હતા. જ્યાં તેમને 'ટી બેક' નામની કોઇન કરન્સીમાં રૂ. 4.5 લાખનું રોકડ રોકાણ કરી દરરોજ 1% વળતરની લાલચ આપી હતી. 400 દિવસમાં રૂ.12 લાખ 75 હજાર એટલે કે રોકાણના ડબલ મળવાની સ્કીમ સમજાવી હતી. અને પોતે કરેલા રોકાણની વિગતો તે "બ્લોક ઓરા.કોમ" નામની વેબસાઈટમાં જોઈ શકશે.'
જો કે નાણા ઉપાડવાનું કહેતા આરોપીઓએ બહાના બનાવવાનું શરૂ કરી દીધું હતું. વેપારીએ અંતે તપાસ કરતા આ પ્રકારની કોઈ કરન્સીનું લિસ્ટીંગ ન થયું હોવાનું જાણવા મળતાં તેને લાગ્યું કે પોતે છેતરાયા છે. બાદમાં વેપારીએ બ્લોક ઓરાની વેબસાઈટમાં જોતા તેમના જેવા અન્ય 8000 જેટલા લોકોએ આ સ્કીમમાં રોકાણ કર્યું હોવાની ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી.

