ગુજરાતમાં એક જ દિવસમાં ગાંજાના 2 ખેતર ઝડપાયા, કપાસની આડમાં થતું હતું વાવેતર

ગુજરાતમાં ફરી એક વખત ગાંજાની ખેતી ઝડપાઇ છે. સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાંથી ગાંજાની ખેતીનું વાવેતર ઝડપાયું છે. સુરેન્દ્રનગરના ચુડાના જોબાળા ગામની કરમડ સીમમાંથી લીલા ગાંજાનું વાવેતર ઝડપાયું છે. બીજી તરફ રાજકોટના જસદણના ખાંડા હડમતીયા ગામમાંથી પણ ગાંજાની ખેતી ઝડપાતા પોલીસે કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગરમાં 28 કિલો ગાંજા સાથે ખેડૂતની ધરપકડ
સુરેન્દ્રનગરના ચુડાના જોબાળા ગામની કરમડ સીમમાંથી લીલા ગાંજાનું વાવેતર ઝડપાયું છે. ખેડૂતની આર્થિક પરિસ્થિતિ નબળી બની હોવાના પગલે ખેડૂતે ગાંજાનું વાવેતર કર્યું હોવાનું સામે આવ્યું છે.
28 કિલો ગાંજા સાથે કૂલ 2.86 લાખના મુદ્દામાલને જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા પ્રભુ કોળી નામના ખેડૂતની અટકાયત કરાઇ છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોની પરિસ્થિતિ કથળતાં લીલા ગાંજાની ખેતી તરફ વળ્યા હોવાનો ઘાટ સર્જાયો છે. પોલીસે ગુનો દાખલ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: 'ન્યૂ યર ગિફ્ટ' સરકારને મોંઘી પડી: ગુજરાતમાં નવી 9 મહાનગરપાલિકા અને જિલ્લા વિભાજનથી અસંતોષનો ચરૂ ઉકળ્યો
જસદણમાંથી પણ ઝડપાયું ગાંજાનું વાવેતર
રાજકોટ ગ્રામ્ય SOGની ટીમે જસદણના ખાંડા-હડમતીયા ગામમાંથી ગાંજાની ખેતી ઝડપી પાડી છે. રાજકોટ ગ્રામ્ય SOG દ્વારા કપાસના વાવેતરની સાથે ગાંજાના 30 જેટલા છોડ મળી આવ્યા છે. જસદણના ખાંડા હડમતીયા ગામના ખોડા રાઘવજી રોજસરા નામના વ્યક્તિએ પોતાની વાડીમાં 30 જેટલા ગાંજાના છોડ વાવ્યા હતા. વાવેતર કરનાર ખેડૂતની ધરપકડ કરી જસદણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

