સુરેન્દ્રનગર: ત્યજી દીધેલી નવજાત બાળકી મામલે થયો મોટો ખુલાસો, પોલીસે 3 આરોપીઓની કરી અટકાયત
ધ્રાંગધ્રાના હરિપુર ગામની સીમમાં એક નવજાત તાજી જન્મેલી બાળકી જમીનમાં અડધી દાટ

ધ્રાંગધ્રાના હરિપુર ગામની સીમમાં એક નવજાત તાજી જન્મેલી બાળકી જમીનમાં અડધી દાટેલી હાલતમાં મળી આવી હતી. બાળકીની આ હાલત જોઈને સૌ કોઈ લોકો હચમચી ગયા હતા. ત્યારે હવે આ મામલે મોટો ખુલાસો થયો છે. લગ્ન વગર પ્રેમ સબંધમાં બાળકીનો જન્મ થયો હતો. પરિણામે પાપ છૂપાવવા માટે આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે. પોલીસે હાલ કૃત્ય કરનાર 3 આરોપીઓની અટકાયત કરી છે.
અપરણિત યુવતીને પ્રેમ સંબંધમાં બાળકીને જન્મ આપ્યા બાદ અપરણિત યુવતીની માતા અને અન્ય મહિલા અને યુવકે જન્મેલ દીકરીને જીવતી દાટવા જંગલમાં ગયા હતા. માતાએ ત્રણ લોકો સાથે મળીને 3 દિવસની બાળકીને જંગલમાં દાટી હતી. જે અડધી દાટેલી હાલતમાં જીવિત મળતાં ચકચાર મચી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના હરિપુર ગામની સીમમાં ગઈકાલે સાંજના સમયે માલધારી ઢોર ચરાવી રહ્યાં હતાં. આ દરમિયાન કોઈ નાના બાળકના રડવાનો અવાજ સંભળાયો હતો. ત્યાં આસપાસ તપાસ કરતા એક નવજાત જીવત બાળકી જમીનમાં અડધી દાટેલી હાલતમાં મળી આવી હતી. જેની જાણ 108 એમ્બ્યુલન્સ તેમજ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. પોલીસે બાળકીનો કબજો લઈ સારવાર અર્થે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.
બાળકી હાલ ઓક્સિજન પર
આ બાળકી હાલ ઓક્સિજન ઉપર 48 કલાક ઓબ્ઝર્વેશનમાં છે. બાળકીની તબિયત હાલ નાજુક હોવાની માહિતી મળી રહી છે.








