રાજકોટ નકલી સ્કૂલ મામલે મોટો ખુલાસો, બે સગીર શિક્ષિકાને 3 હજારના પગારમાં નોકરીએ રાખી હતી
રાજકોટના પીપળીયા ખાતે ચાલી રહેલી બોગસ શાળાના મામલામાં મોટો ખુલાસો થયો છે. તપાસમાં સામે આવ્યું છે કે બે સગીર વયની બા

રાજકોટના પીપળીયા ખાતે ચાલી રહેલી બોગસ શાળાના મામલામાં મોટો ખુલાસો થયો છે. તપાસમાં સામે આવ્યું છે કે બે સગીર વયની બાળાઓને શિક્ષિકા બનાવી દેવામાં આવી હતી, સાથે સાથે ત્રણ હજાર રૂપિયાના પગાર પર રાખવામાં આવી હતી.
સગીરવયની બાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને કરાવાતો હતો અભ્યાસ
એક બાળા ધોરણ-8 પાસ હતી અને બીજી બાળા ધોરણ 10માં બે વિષયમાં નપાસ થઈ હતી. બન્ને સગીરવયની બાળાઓ દ્વારા બોગસ સ્કુલમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવતો હતો.
છ વર્ષથી ધમધમતી હતી આ સ્કૂલ
રાજકોટમાં કુવાડવા તાલુકામાં આવેલા માલિયાસણ પીપળીયા ગામમાં જે પ્રિ-પ્રાયમરી સ્કૂલ પકડાય છે તે એક, બે નહીં પણ છેલ્લા છ વર્ષથી ધમધમતી હતી. આ ઉપરાંત ચોંકાવનારી વાત એ છે કે આ સ્કૂલ દુકાનમાં ચાલતી હતી. તેમ છતાં શિક્ષણ વિભાગના ધ્યાનમાં આવ્યું ન હતું. ત્યારે હવે શિક્ષણ વિભાગના અધિકારીઓ પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.
દુકાનમાં ક્લાસ બનાવીને માન્યતા વગર જ ગૌરી પ્રિ-પ્રાયમરી નામની સ્કૂલમાં બાળકોને ભણાવવામાં આવી રહ્યા હતા. જો કે આ સ્કૂલ સંચાલક આર.સી ધડુકે સ્કૂલ નહીં પણ ટ્યુશન ક્લાસ હોવાની વાત કહી છે. જો કે સ્કૂલના નકલી પરિણામ પર તેને કોઈ જવાબ આપ્યો હતો.
લિવિંગ સર્ટિફિકેટ ન આપતા નકલી સ્કૂલનો ભાંડો ફૂટ્યો
સ્કૂલમાં પહેલા ધોરણથી 10 ધોરણ સુધી વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતા હતા. આ સ્કૂલમાંથી એક વિદ્યાર્થીએ લિવિંગ સર્ટિફિકેટ ન આપતા નકલી સ્કૂલનો ભાંડો ફૂટ્યો હતો. જો કે શિક્ષણ વિભાગના અધિકારીઓને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે શાખ બચાવવા માટે તાત્કાલિક દોડી ગયા હતા અને સ્કૂલને સીલ કરી દીધી હતી. આ મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી છે








