ઉમરગામના ભીલાડમાં લગ્નમાંથી 8 વર્ષના બાળકનું અપહરણ, 36 કલાકે જંગલમાંથી હેમખેમ છૂટકારો
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડમાંથી આઠ વર્ષીય બાળકનું અપહરણ થયું હતું. જેથી જિલ્લાની તમામ પોલીસ કામ

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડમાંથી આઠ વર્ષીય બાળકનું અપહરણ થયું હતું. જેથી જિલ્લાની તમામ પોલીસ કામે લાગી ગઈ હતી. પોલીસે 8થી વધારે ટીમો બનાવી હતી. અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. લગ્નમાં આવેલું બાળક ગુમ થયા બાદ અપહ્યત થતા પોલીસે ડ્રોન સહિતની મદદથી તપાસ આદરી હતી. જો કે 36 કલાકે બાળક હેમખેમ મળી આવતાં હાલ પોલીસ સહિતના પરિવારે હાશકારાની લાગણી અનુભવી છે.
પિતા સાઉદીથી આવ્યા હતા
વાપીમાં રહેતા પરિવારનો 8 વર્ષીય બાળક ભીલાડમાં લગ્ન પ્રસંગમાં ગયા બાદ રાત્રિના સમયે અચાનક ગુમ થઇ ગયો હતો. ભારે શોધખોળ બાદ પરિવારે પોલીસ મથકમાં અજાણ્યા ઈસમ સામે અપહરણની ફરિયાદ નોંધાવી છે.બાળક ખાનગી શાળામાં ધોરણ-2માં અભ્યાસ કરે છે. બાળક માતા-પિતા અને દાદા-દાદી સાથે ભીલાડ ખાતે એક લગ્ન પ્રસંગમાં ગયો હતો. જ્યાં રાત્રે 9.30 કલાકે તે પરિવારને ન દેખાતા તેની શોધખોળ હાથ ધરાઇ હતી. જોકે કોઇ જગ્યાએ તેનો પત્તો લાગ્યો ન હતો. અંતે પરિવારે બનાવની જાણ ભીલાડ પોલીસને જાણ કરતા પોલીસે અજાણ્યા ઈસમ સામે અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગુમ બાળકના પિતા હાલ જ સાઉદી અરેબિયાથી ભારત આવ્યા હતા.
36 કલાકે છૂટકારો
બાળકના અપહરણને લઈને વલસાડ જિલ્લા પોલીસે મેગા સર્ચ ઓપરેશનને શરૂ કર્યું હતું. વલસાડ જિલ્લા પોલીસવડા ડો. કરણરાજ વાઘેલા દ્વારા 8 થી વધારે ટીમ બનાવાઈ હતી. જેમાં એસોજી તેમજ એલસીબીની ટીમ દ્વારા ડ્રોનની મદદ લેવામાં આવી હતી. જંગલ વિસ્તારમાંથી 36 કલાક બાદ બાળકનો હેમખેમ છૂટકારો થયો હતો. પોલીસની ભીસ વધતા અપહરણકારો બાળકને મૂકી ફરાર થઈ ગયા હોવાનું મનાય છે. હાલ બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. બીજી તરફ વલસાડ જિલ્લા પોલીસે અપહરણકારોને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.








