સુરતથી એક જ દિવસમાં બે વ્યક્તિના અંગોના દાન, લિવર-કિડની અને ચક્ષુઓના દાનથી 8ને મળ્યુ નવું જીવન
ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર

ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે. ત્યારે વાળંદ સમાજના નવીનભાઈ ચતુરભાઈ લીમ્બાચીયા અને આહીર સમાજના નારણભાઈ રણછોડભાઈ આહિર બ્રેઈનડેડ થયા હતાં. જેથી તેમના પરિવારે ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી નવીનભાઈ ચતુરભાઈ લીમ્બાચીયાની બે કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કર્યું હતું. તેમજ નારણભાઈ રણછોડભાઈ આહીરની બે કિડની અને લિવરનું દાન કરી આઠ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે..
બનાવની વિગત ૧:
અલથાણ ખાતે રહેતા અને શાકભાજીની લારી ચલાવતા નવીનભાઈ ને તા. ૫ મે ના રોજ માથામાં દુઃખાવો અને ઉલ્ટી થઈ હતી. જેથી તેમને ઉમા હોસ્પિટલમાં ડૉ. પ્રતિક પટેલની સારવાર હેઠળ દાખલ કર્યા હતાં. નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થતા વધુ સારવાર માટે ફર્સ્ટ ક્યોર હોસ્પીટલમાં ડૉ. કૃણાલ પટેલની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતાં. ત્યાં ફરી એક વખત CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ અને મગજમાં સોજો હોવાનું નિદાન થયું હતું. ન્યુરોસર્જન ડૉ. કેયુર પ્રજાપતિ એ ક્રેન્યોટોમી કરી મગજમાં જામેલો લોહી નો ગઠ્ઠો અને સોજો દુર કર્યો હતો.
પરિવારે અંગદાનની સંમતિ આપી
તા. ૨૫ મે ના રોજ નવીનભાઈને વધુ સારવાર માટે સુરત ની કિરણ હોસ્પિટલ માં ન્યુરોફીઝીશીયન ડૉ. હીના ફળદુ ની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા. તા. ૨૬ મે ના રોજ ન્યુરોસર્જન ડૉ. ભૌમિક ઠાકોર, ન્યુરોફીજીશિયન ડૉ. હીના ફળદુ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. દર્શન ત્રિવેદી અને મેડિકલ ડાયરેક્ટર ડૉ.મેહુલ પંચાલે નવીનભાઈને બ્રેનડેડ જાહેર કર્યા. નવીનભાઈ ની પત્ની ઈન્દુબેન, પુત્રો વિપુલ અને પરેશ, ભાઈઓ શૈલેષભાઈ અને ગોવિંદભાઈ, ભત્રીજી મનીષાબેન ને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી. જેથી પરિવારે અંગદાન અંગે સંમતિ દર્શાવી હતી.
બનાવની વિગત ૨:
અડદા (આહિર ફળિયું), તા. નવસારી, જી. નવસારીના રહેવાસી નારણભાઈ રણછોડભાઈ આહિર ઉ.વ ૬૬ તા. ૨૨ મે ના રોજ સાંજે ૪:૩૦ કલાકે પોતાના ખેતરે જઈ રહ્યા હતા, ત્યારે અડદા ગામના જુના રસ્તા પાસે અજાણ્યા બાઈક ચાલકે નારણભાઈ ને ટક્કર મારતા તેઓ નીચે પડી ગયા હતા, માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઈ ગયા હતા.પરિવારજનોએ તેમને તાત્કાલિક નવસારીમાં આવેલી પારસી હોસ્પિટલમાં દાખલ કર્યા, ત્યાં નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થતા વધુ સારવાર માટે તેઓને સુરતની INS હોસ્પિટલમાં ન્યુરોફીઝીશિયન ડૉ. અનીરુદ્ર આપ્ટે ની સારવાર હેઠળ દાખલ કર્યા. નિદાન માટે ફરીથી CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ અને મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. તા. ૨૨ મે ના રોજ ન્યુરોસર્જન ડૉ.અશોક પટેલે ક્રેનીયોટ્રોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દુર કર્યો હતો.
બે કિડની લિવર સુરતની કિરણને ફાળવાયા
તા. ૨૫ મે ના રોજ ન્યુરોફીઝીશયન ડૉ અનિરુદ્ધ આપ્ટે, ન્યુરોસર્જન ડૉ. અશોક પટેલ, ડૉ. નીલેશ મોરે, ફીઝીશયન ડૉ. ધવલ કોરાટે નારણભાઈને બ્રેનડેડ જાહેર કર્યા હતા.ડૉ. નિધી આસોદરીયા એ ડોનેટ લાઈફના સ્થાપક નીલેશભાઈ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી નારણભાઈના બ્રેઈનડેડ અંગેની અને તેમના પરિવારજનોની નારણભાઈના અંગદાન કરવાની ઈચ્છા છે તેમ જણાવ્યું હતું.બંને પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા બે કિડની અને લિવર સુરતની કિરણ હોસ્પિટલને, બીજી બે કિડની અને લિવર અમદાવાદની IKDRC હોસ્પિટલને ફાળવવામાં આવી.
લિવરનું દાન અમદાવાદ થયું
બે કિડની અને એક લિવરનું દાન સુરતની કિરણ હોસ્પિટલના ડૉ. રવિ મોહન્કા, ડૉ. પ્રશાંથ રાવ, ડૉ. ધર્મેશ ધાનાણી, ડૉ. પ્રમોદ પટેલ, ડૉ. મુકેશ આહીર, ડૉ. કલ્પેશ ગોહિલ અને તેમની ટીમે, બીજી બે કિડની અને બીજા એક લિવરનું દાન અમદાવાદની IKDRCના ડૉ. રાહુલ અમીન, ડો. રામબીર, ડૉ. મયંક, ડૉ. નરેન્દ્ર પિત્રોડા અને તેમની ટીમે સ્વીકાર્યું. ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના ડૉ. પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું.
ચક્ષુઓનું ટ્રાન્સપ્લાન્ટ થયું
દાનમાં મેળવવામાં આવેલી ચાર કિડની અને બે લિવર માંથી બે કિડની નું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની રહેવાસી ઉ.વ ૩૭ વર્ષીય યુવતીમાં, બીજી કિડની નું ટ્રાન્સપ્લાન્ટ ભરૂચના રહેવાસી ૧૭ વર્ષીય યુવકમાં, લિવર નું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈ ના રહેવાસી ૬૩ના વર્ષીય વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પિટલ માં કરવામાં આવ્યું. જયારે બીજી બે કિડની અને લિવર નું ટ્રાન્સપ્લાન્ટ ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની IKDRC માં કરવામાં આવ્યું. બંને ચક્ષુઓનું ટ્રાન્સપ્લાન્ટ બે જરૂરિયાતમંદ દર્દીઓમાં સુરતની કિરણ હોસ્પિટલમાં ડૉ. સંકેત શાહ દ્વારા કરવામાં આવશે.
ગ્રીન કોરિડોર બનાવાયો
લિવર અને કિડની સમયસર અમદાવાદ IKDRC પહોંચાડવા માટે સુરત શહેર પોલીસના સહકાર થી ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, હ્રદય, ફેફસા, નાનું આતરડું, હાથ, લિવર, કિડની, જેવા મહત્વના અંગો દેશના જુદા-જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી ૧૧૮ ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા છે.








