સુરત પાલિકાના પૂર્વ SI સહિત 23ના 70 લાખ ચાંઉ કરનાર મહારાષ્ટ્રની લેભાગુ કંપનીના 7 દબોચાયા
મહારાષ્ટ્રના થાણેની લેભાગુ કંપનીએ પાલિકાના પૂર્વ સેનેટરી ઈન્સ્પેક્ટર સહિત 23 જણાને લો

મહારાષ્ટ્રના થાણેની લેભાગુ કંપનીએ પાલિકાના પૂર્વ સેનેટરી ઈન્સ્પેક્ટર સહિત 23 જણાને લોભામણી સ્કીમોમાં નાણાં રોકાણ કરાવી 70 લાખની રકમ ચાંઉ કરી ફરાર થયા છે. આ ગુનામાં સીઆઇડી ક્રાઇમે 7 જણાની ધરપકડ કરી છે. જ્યારે 20થી વધુ હજુ ફરાર છે. થાણેની શક્તિ મલ્ટી પર્પઝ કો.ઓ.સો.લિમિટેડ નામની કંપની હેમંત જાંભલે અને તેની પત્ની પ્રતિભા ઊભી કરી હતી. આ લેભાગુ કંપનીમાં દેશભરમાંથી 6થી 7 હજાર લોકોએ 30થી 35 કરોડની રોકાણ કરી હોવાની વાત સામે આવી રહી છે.
વધુ વ્યાજના સપના બતાવ્યા
ટોળકીએ બેંક કરતા વધારે વ્યાજ આપવાના સપના બતાવ્યા હતા. સાથે રોકાણકારોને સોના-ચાંદી દાગીના તેમજ અલગ અલગ દેશમાં ટુરના મોંઘા પેકેજની ઓફર આપી હતી.જેમાં સુરતમાંથી 3 હજાર લોકોએ કરોડોની રકમ રોકાણ કરી હતી. ખાસ કરીને આ કંપનીએ 1 વર્ષથી લઈ 6 વર્ષ સુધીમાં અલગ-અલગ રિફન્ડેબલ પ્લાનોમાં રોકાણ કરાવી 1.5 ટકાથી 14.5 સુધીનું વ્યાજ આપવાની સાથે એજન્ટને 0.25 ટકાથી 10 ટકા સુધી કમિશન આપવાના સપના બતાવ્યા હતા.
આટલા સામે ગુનો
ડિંડોલીમાં રહેતા અને પાલિકાના રિટાયર્ડ સેનેટરી ઈન્સ્પેક્ટર શૈલેષ પટેલે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે હેમંત જાંભલે, તેની પત્ની પ્રતિભા, અશોક બારવકર, સુવર્ણા બારવકર, પ્રમોદ બોરાટે, મનીષ રાણે, વિજય ભુકણ, કિશોર જાધવ, રામદાસ કૌલે, સંતોષ જાધવ, રત્નદીપ દેવકુળે, એકનાથ બનસોડે, દયાનંદ રાઠોડ, અજય પાલ, રવિકાંત માતે, નરેન્દ્ર સીનોય, વિશ્વનાથ શીનોય, ડી.ડી.બારને, સંજય સોલંકી અને અલ્પેશ પટેલ સામે ગુનો નોંધ્યો છે.
છેતરપિંડીનો આંક વધી શકે
જ્યારે આ ગુનામાં સીઆઈડી ક્રાઇમે પંકજ પટેલ, કલ્પેશ પટેલ, રાજેન્દ્ર ચૌહાણ, સુકેતુ દેસાઈ, રીતેષ આહીર, સુનિલ પટેલ સહિત 7ની ધરપકડ કરી છે. સાતેય આરોપી નવસારી ગામમાં રહે છે અને એજન્ટ તરીકે લેભાગુ કંપનીમાં જોડાયા હતા. હજુ છેતરપિંડીનો આંક વધવાની શક્યતા છે.








