મેઘો અનરાધાર: નડિયાદ તાલુકામાં 7 ઈંચ, કપડવંજ-કઠલાલમાં 5-5 ઈંચ વરસ્યો વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. ચરોતર પ્રદેશ ગણાતા ખેડા જિલ્લામાં દિવસ દરમિયાન ઝરમર વરસાદ બાદ સાંજે છુટાછ

હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. ચરોતર પ્રદેશ ગણાતા ખેડા જિલ્લામાં દિવસ દરમિયાન ઝરમર વરસાદ બાદ સાંજે છુટાછવાયા સ્થળોએ વરસાદ વરસ્યો હતો. ત્યારે મોડી રાત્રે કડાકા ભડાકા સાથે ફરી વરસાદ નડિયાદ પંથકમાં તૂટી પડયો હતો. નડિયાદ તાલુકામાં ૭, કપડવંજ અને કઠલાલમાં પાંચ જ્યારે મહુધામાં સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો. ખેડા જિલ્લામાં સાર્વત્રિક પોણા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે.
નડિયાદમાં મેઘરાજાએ ધમધમાટી બોલાવી
શ્રાવણ માસના અંતમાં અમાસના દિવસે અને ભાદરવાની શરૂઆતમાં મેઘરાજા બીજા રાઉન્ડમાં પ્રવેશી ફરી સૌને તરબોળ કરી રહ્યા છે. નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં દિવસ દરમિયાન છુટાછવાયા સ્થળોએ ઝરમર વરસાદ વરસ્યો હતો. મોડી સાંજે નડિયાદમાં મેઘરાજાએ ધમધમાટી બોલાવી હતી અને ગાજવીજ સાથે નડિયાદ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વીજળીના ચમકારા સાથે અને ગાજવીજ સાથે વરસાદ વરસતા નડિયાદ શહેરમાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જૌકે વરસાદ બંધ રહેતા કેટલીક જગ્યાએ આ પાણી ઓસરી પણ ગયા હતા.
નડિયાદના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાં
નડિયાદના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાં છે. પીજ ભાગોળ, શૈશવનો ખાંચો, કોલેજ રોડ પર, આ સિવાય શહેરના ચારેય ગરનાળામાં વરસાદી પાણી ભરાયાં હતા. ગરનાળામાં પાણી ભરાઈ જતા વાહનવ્યવહારને અસર પડી છે. તો બીજી તરફ શ્રેયસ ગરનાળામાં ફુટપાથ પરથી ટુવ્હિલરો આવનજાવન કરી રહ્યા છે. આ ઉપરાંત બે બ્રીજ પર વાહનોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. જો કે, રાત્રે પાણી ભરાયા બાદ સવારે પાણીનો નિકાલ થઈ ગયો હતો અને પાલિકાની ટીમ દ્વારા ગરનાળાઓની સફાઈ કરી નાખવામાં આવી હતી.
આણંદ જિલ્લામાં બે-ત્રણ દિવસ વરસાદે વિરામ લીધા બાદ ફરીથી સાર્વત્રિક વરસાદ વરસ્યો
આણંદ જિલ્લામાં બે-ત્રણ દિવસ વરસાદે વિરામ લીધા બાદ ફરીથી સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. સોમવારે મોડી રાતથી શરૂ થયેલા વરસાદને કારણે જિલ્લામાં સરેરાશ બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જ્યારે આણંદ તાલુકામાં સૌથી વધુ સાડા ત્રણ ઈંચ, સોજિત્રા અને ઉમરેઠ તાલુકામાં ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. અત્યાર સુધીમાં જિલ્લામાં સિઝનનો સરેરાશ ૪૨.૩૨ ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે.
આણંદ જિલ્લામાં સોમવારે મોડી સાંજ સુધી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઉકળાટથી લોકો અકળાયા હતા. તેવામાં વાતાવરણમાં અચાનક પલટો આવતા ઉમરેઠ તાલુકામાં એક ઈંચ અને આંકલાવમાં પોણો ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
રાત્રે આઠ વાગ્યા બાદ જિલ્લામાં ધમાકેદાર વરસાદની ફરી એન્ટ્રી થઈ હતી. જેમાં મોડી રાત્રે આણંદ તાલુકામાં સાડા ત્રણ ઈંચ, સોજિત્રા અને ઉમરેઠમાં ત્રણ ઈંચ, તારાપુરમાં બે ઈંચથી વધુ, આંકલાવ, બોરસદ અને પેટલાદમાં એક ઈંચ અને ખંભાતમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. નોંધનીય છે કે, અત્યાર સુધીમાં સિઝનનો સૌથી વધુ બોરસદ તાલુકામાં ૫૪.૬૪ ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યારબાદ ખંભાતમાં ૪૯.૪૮ ઈંચ, તારાપુરમાં ૪૬.૮૪ ઈંચ, આણંદમાં ૪૬.૦૪ ઈંચ, સોજિત્રામાં ૪૦.૦૮ ઈંચ, પેટલાદમાં ૩૯ ઈંચ, આંકલાવમાં ૩૪.૪૮ ઈંચ અને સૌથી ઓછો ઉમરેઠમાં ૨૮ ઈંચ વરસાદ નોંધાયો છે.








