ગોઝારો ગુરુવાર: રાજ્યમાં અકસ્માતની અલગ અલગ 5 ઘટનામાં 6 લોકોએ ગુમાવ્યો જીવ
રાજ્યમાં ફરીથી માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવી છે. આજે વિવિધ શહેરમાં અકસ્માતની ઘટના સામે આવી છ

રાજ્યમાં ફરીથી માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવી છે. આજે વિવિધ શહેરમાં અકસ્માતની ઘટના સામે આવી છે. ભરૂચ, ઓખા, સાણંદ, લુણાવાડા, સુરેન્દ્રનગરમાં અકસ્માતમાં 6ના મોત અને 5થી વધુ ઘાયલ થયા છે.
ભરૂચમાં ડમ્પર ચાલકે બાઈકને મારી ટક્કર
ભરૂચના ભોલાવમાં આવેલ ધર્મનગર ટાઉનશીપ પાસે ડમ્પર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઈક સવારનું મોત થયું હતું. અકસ્માત કર્યા બાદ ડમ્પર ચાલક ફરાર થવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. લોકોએ ડમ્પર ચાલકને ઝડપી પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
ઓખા મઢી નજીક પિકઅપ વાને બાળકીને લીધી અડફેટે
ઓખા મઢી નજીક દૂધ ભરેલા પિકઅપ વાને બાળકીને અડફેટે લીધી હતી. બાળકીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. ત્યાં બાળકીનું મોત નિપજ્યું હતું. બાળકીના મૃતદેહને પોલીસે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી કરી હતી.
સાણંદમાં રીક્ષા અને ટેમ્પા ચાલક સાથે અકસ્માત
સાણંદના નવા બાયપાસ પાસે રીક્ષા અને ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિએ સ્થળ પર જ દમ તોડ્યો હતો.અને બે વ્યક્તિઓ ઘાયલ થયા હતા. ટેમ્પા ચાલકને પકડવા માટે સાણંદ પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
લુણાવાડા- મોડાસા હાઈવે પર કારને નડ્યો અકસ્માત
લુણાવાડા- મોડાસા હાઈવે પર સોનેલા ગામ પાસે કારને અકસ્માત નડ્યો હતો. મુંબઈથી ગલયાકોટ દર્શને જતા પરિવારને અકસ્માત નડ્યો હતો. કારમાં ચાર લોકો સવાર હતા. આ ગંભીર અકસ્માતમાં એકનું મોત નિપજ્યું હતું અને અન્ય ત્રણને ઈજા પહોંચી હતી. અકસ્માતમાં ઘાયલ લોકોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં લુણાવાડ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. અકસ્માતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સુરેન્દ્રનગરના વણોદ નજીક કાર અને ટ્રેન્કર વચ્ચે અકસ્માત
સુરેન્દ્રનગરના વણોદ નજીક કાર અને ટ્રેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકનું ઘટના સ્થળ પર મોત થયું હતું. ઘટનાને લઈને પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતમાં મોત નિપજનાર વ્યક્તિના મૃતદેહને પોલીસે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.








