માંગરોળ ગેંગરેપના ત્રીજા આરોપીને 6 દિવસના રિમાન્ડ, મોબાઈલ પર કરેલી વાતચીતની વોઇસ સ્પેક્ટોગ્રાફી કરાશે
ચકચારી માંગરોળના મોટા બોરસરા સગીરા ગેંગરેપ કેસમાં ત્રીજા આરોપીને અમદાવાદથી ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યાર

ચકચારી માંગરોળના મોટા બોરસરા સગીરા ગેંગરેપ કેસમાં ત્રીજા આરોપીને અમદાવાદથી ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ આજે આરોપી રામસજીવન ઉર્ફે રાજુને લઈ પોલીસ કોર્ટ પહોંચી હતી. પોલીસે 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. જો કે, કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીના રિમાન્ડ ટેલિફોનિક વાતચીત સહિતની તપાસ માટે માગવામાં આવ્યાં હતાં.
આ મુદ્દાઓ કોર્ટ સમક્ષ મૂકાયા
સરકારી વકીલ નયન સુખડવાલાએ કહ્યું કે, આરોપીની ઓળખ પરેડ, કેટલાક એફએસએલના પૂરાવા મેળવવાના છે. તે રિમાન્ડના મુદ્દાઓમાં સામેલ છે. આ સાથે વોઈસ સ્પેક્ટ્રોગ્રાફી કરાવવાની છે. મેડિકલ એવિડન્સ અને મોટરસાયકલ બાબતે પણ પૂછપરછ કરવામાં આવશે. કોર્ટે 17મી ઓક્ટોબર સુધી આરોપીના રિમાન્ડ આપ્યા છે. આરોપી વિરુદ્ધ કેટલાક પૂરાવા મળ્યા છે. ત્રણેય આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. કુલ 20થી વધુ ગુના ત્રણેય આરોપીઓએ કર્યા છે. તે અંગે પણ તપાસ કરાશે.
તન્વીર સાથે થયેલી વાતચીતના પૂરાવા મળ્યા
રિમાન્ડ દરમિયાન આરોપી રાજુનો વોઇસ સ્પેક્ટોગ્રાફી કરવામાં આવશે. પોલીસને પૂરાવા મળ્યા છે કે, જે બાઈકનો ઉપયોગ ગુના સમયે આરોપીઓએ કર્યો છે તે બાઈકના માલિક તન્વીર સાથે તેઓએ ગુના બાદ વાતચીત કરી હતી. દુષ્કર્મ કર્યા હોવાની વાત પણ જણાવી હતી. આ જ કારણ છે કે, તન્વીર સાથે થયેલી વાતચીતના પૂરાવા મળ્યા બાદ હવે રાજુનો વોઈસ સ્પેક્ટોગ્રાફી કરાશે.તન્વીરે રાજુ સાથે થયેલી વાતચીત રેકોર્ડ કરી લીધી હતી. જેમાં તેણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ત્રણેય આરોપીઓએ સગીરા સાથે દુષ્કર્મ આચાર્યું છે અને આ પોલીસ માટે એક મહત્વનો પૂરાવો પણ છે.








