સાબરમતીમાંથી વાત્રક નદીમાં ૫૦ હજાર ક્યૂસેક પાણી છોડાયું, ૧૭ ગામોને એલર્ટ કરાયા
મધ્યપ્રદેશ સહિત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે કડાણા ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની

મધ્યપ્રદેશ સહિત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે કડાણા ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ હતી. કડાણા ડેમમાંથી ગળતેશ્વરના વણાકબોરી ડેમમાં ૧.૫૦ લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવતા વણાકબોરી ડેમ ઓવરફ્લો થયો હતો.
સાબરમતી નદીમાંથી વાત્રક નદીમાં ૫૦ હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું
સાબરમતી નદીમાંથી વાત્રક નદીમાં ૫૦ હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. જેથી ખેડા અને માતરના કાંઠાગાળાના ૧૭ ગામોને એલર્ટ કરાયા છે. ડેમમાંથી છોડાયેલું પાણી મહી નદીમાં થઈ આગળ ખંભાતના અખાતથી અરબ સાગરમાં ભળી જશે. મધ્યગુજરાતના આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લા માટે કડાણા ડેમ, વણાકબોરી ડેમ અને મહીસાગર નદી પાણીનો મુખ્ય સોર્સ છે. તાજેતરમાં મહીસાગર જિલ્લા, ઉત્તર ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પડેલા ભારે વરસાદને પગલે કડાણા ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ હતી.
વણાકબોરી ડેમમાં ૧.૫૦ લાખ ક્યૂસેક પાણી ઠલવાયું
કડાણા ડેમનું જળસ્તર વધતા સલામતીના ભાગરૂપે ડેમમાંથી ગળતેશ્વરના વણાકબોરી ડેમમાં ૧.૫૦ લાખ ક્યૂસેક પાણી ઠલવાયું હતું. જેથી વણાકબોરી ડેમનું જળસ્તર ૬૯.૯૬ મીટરની સપાટીએ પહોંચી જતાં ડેમ ઓવરફ્લો થયો હતો.
સલામતીના ભાગરૂપે વણાંકબોરી ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી ઠાલવવામાં આવ્યું હતું. જેથી નદીમાંથી પાણી ખંભાતના અખાતમાં થઈ અરબ સાગરમાં ભળી જશે. હાલ વણાકબોરી ડેમ ઓવરફ્લો થતાં તેમજ સાબરમતી નદીમાંથી વાત્રક નદીમાં ૫૦ હજાર ક્યૂસેક પાણી છોડાયું હોવાથી ખેડા અને માતરના કાંઠાગાળાના હરિયાળા, વાસણા બૂઝર્ગ, વાસણા ખૂર્દ, ચાંદણઆ, સમાદરા, જેસવાપુરા, ખુમારવાડ, કોશિયલ, પીપરિયા, મહેળજ, સોખડા, બરોડા, પાલ્લા અને અસમાલી ગામ તેમજ ખેડા પાલિકા હસ્તકના આંબલિયારા, વિઠ્ઠલપુરા, ખેડા ભાઠા ગામોને એલર્ટ કરાયા છે.






