BZ કૌભાંડમાં શિક્ષકો જ નહીં, ગિલ સહિત 5 ક્રિકેટરો પણ ફસાયા

ગુજરાતના બહુ ચર્ચિત એકના ડબલ કરી આપવાની લોભામણી લાલચો આપી લોકોને છેતરનારા BZ GROUPના CEO ભુપેન્દ્રસિંહ ઝાલાએ ક્રિકેટરોને પણ છોડ્યા નથી. ક્રિકેટરોને પણ પોતાના વાકચાતુર્યથી ફસાવી પોતાની સ્કિમમાં રોકાણ કરાવ્યું છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ માત્ર શિક્ષકો જ નહીં ક્રિકટરો અને બોલીવૂડ એક્ટર સોનુસૂદને પણ પોતાની માયાજાળમાં ફસાવી ચૂક્યો છે.
BZ GROUPના કૌભાંડનું લિસ્ટ તપાસી રહેલી સીઆઈડી ક્રાઈમને ત્યારે આશ્ચર્ય થયું જ્યારે આ લિસ્ટમાં સ્ટાર ક્રિકેટરોના નામ જોયા. સીઆઈડી ક્રાઈમે શુભમન ગિલ, રાહુલ તેવટિયા, મોહિત શર્મા સહિત 5 ક્રિકેટરોના નામ લિસ્ટમાં જોતાં ચોંકી ગઈ હતી. આ લિસ્ટમાં બોલીવૂડ એક્ટર સોનુ સૂદનું પણ નામ આવ્યું હતું. સમગ્ર કૌભાંડમાં અંદાજિત 14 હજારથી વધુ લોકો ભોગ બન્યા છે.
આ પણ વાંચોઃ BZ કૌભાંડ: એજન્ટ શિક્ષકો રજા પર, ઘરે ખંભાતી તાળા; CID ક્રાઇમના અરવલ્લી સાબરકાંઠામાં ધામા
શું હતું કૌભાંડ
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના વાવડીમાં રહેતા BZ GROUPના CEO ભુપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણની સામે ત્રણ વર્ષમાં બમણા અને સામાન્ય રોકાણની સામે ઉંચા વળતરની લાલચ આપીને રૂપિયા છ હજાર કરોડનું કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ થતાં ગાંધીનગર સીઆઈડી ક્રાઈમની અલગ અલગ ટીમ દ્વારા સાબરકાંઠા, વડોદરા, ગાંધીનગર અને રાજસ્થાન સહિત કુલ સાત સ્થળો પર દરોડા પાડીને અનેક મહત્વના દસ્તાવેજ તેમજ કેસને લગતા પુરાવા એકઠા કરીને કાર્યવાહી કરી છે. શંકાસ્પદ વ્યવહારો અને કૌભાંડ મામલે ગાંધીનગર CID ક્રાઈમ દ્વારા BZ GROUP વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ BZ કૌભાંડ: ધરપકડ કરાયેલ 2 આરોપીઓનો પગાર 8-10 હજાર, CIDની મહિનાથી વૉચ છતાં ભુપેન્દ્રસિંહ છૂમંતર
BZ GROUP અને BZ ફાયનાન્સિયલ સર્વિસ પર મંગળવારે CID દ્વારા રેડ કરવામાં આવી હતી. જેમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધવાની પ્રક્રિયા શરૂ છે. 1 મહિનાથી BZ GROUP અને BZ ફાયનાન્સિયલ સર્વિસની અલગ અલગ ઓફિસો પર સર્વેલન્સ ગોઠવવામાં આવ્યું હતું. BZ GROUP સંચાલિત BZ ફાયનાન્સિયલ સર્વિસ અનઅધિકૃત સંસ્થા છે જેમાં મહિના 3 ટકાથી લઇને વર્ષે 33 ટકા સુધીનું વળતર આપવાની લાલચ આપતા હતા. રેડ દરમિયાન રૂ.175 કરોડ રૂપિયાના ટ્રાન્જેક્શન મળી આવ્યા છે.
આ પણ વાંચોઃ BZ ગ્રુપ કૌભાંડ: આરોપીઓના રિમાન્ડ મંજૂર, ભાજપે ભુપેન્દ્રસિંહ સાથે છેડો ફાડ્યો; કાળા નાણાંવાળા રોકાણકારોનું મૌન
BZ GROUP અને BZ ફાયનાન્સિયલ સર્વિસ દ્વારા લોભામણી સ્કીમ માટે શિક્ષક અને નિવૃત્ત સરકારી કર્મચારીઓને ટાર્ગેટ કરવામાં આવતા હતા. CIDને રેડ દરમિયાન 16.37 લાખ રોકડા, એગ્રીમેન્ટ અને 34 ડોક્યુમેન્ટ મળી આવ્યા છે. જે મામલે ફરિયાદ નોંધવાની કામગીરી શરૂ છે. અનંત દરજી નામનો એક એજન્ટ પકડાયો છે. 5 જેટલા લોકો તથા કર્મચારીઓની અટકાયત કરવામાં આવી છે. BZ ફાયનાન્સિયલ સર્વિસ દ્વારા એજન્ટને 5 થી 25 ટકા કમિશન આપવામાં આવતું હતું. સમગ્ર કૌભાંડ 6 હજાર કરોડથી ઓછું કે વધુ રકમનું પણ હોય શકે છે.”

